સુરતના લલાટે લાગ્યો 51નો અનોખો ચાંદલો

સુરત:  મહાનગર પાલિકા દ્વારા 51 વર્ષથી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. હાલ ચાલી રહેલી 51મી નાટ્ય સ્પર્ધામાં આ વખતે લગભગ પ્રથમ વખત ત્રણ પૈકી બે યંગેસ્ટ જજ પેનલમાં છે. યુવા કલાકારોને મંચ આપતી સ્પર્ધા નિર્ણાયકો માટેના મંચ પર પણ હવે યુવાઓને આવકારી રહી છે. આ ત્રણેય નિર્ણાયકો નાટક સાથે જોડાયેલા છે. ત્રણેય નિર્ણાયકો chitralekha.com સાથે નાટક અને સુરતની નાટક સ્પર્ધા વિશે ખુલીને વાત કરે છે.. પ્રથમ નિર્ણાયક તરીકે મુંબઈ-ગુજરાતના જાણીતા નાટ્યકાર, લેખક દિગ્દર્શક, અભિનેતા અને નાટ્યવિદ્ વિહંગ મહેતા હોઠ ઉપર અનુભવનું અમૃત મહેકાવતા કહે છે, “સૂરત, ગુજરાતી રંગભૂમિ પર એક અલગ જ સ્થાન ધરાવે છે સૂરતના નાટકો મુંબઈ જેટલા જ (કે ક્યારેક તો એનાથીય વધુ) ફીનીશ્ડ હોય છે છતાં એમાં પ્રાયોગિકતા કે નાવિન્ય પણ એટલું જ હોય છે એટલે જ તો એ નાટકો, મુંબઈનાં બીબાઢાળ નાટકો કરતાં સાવ અલગ પડી જાય છે અને પ્રેક્ષકોને જોવા પણ એટલા જ ગમે છે. અમદાવાદ, રાજકોટ કે વડોદરા આ કરી શકતા નથી. એ વર્ષોથી સિદ્ધ થયેલી વાત છે. આની ક્રેડિટ જાય છે માત્ર ને માત્ર સૂરત મહાનગરપાલિકાની છેલ્લા ૫૧ વર્ષથી અવિરત ચાલતી ફૂલલેન્થ નાટકોની નાટ્યસ્પર્ધાને. વિશ્વમાં આ એકમાત્ર મહાનગરપાલિકા છે જે પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, નગર આયોજન જેવા પાયાના કામો ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન માટે પણ એટલી જ અગ્રસર છે અને રસ લઈને આવી સુંદર સ્પર્ધાનું પ્રતિવર્ષ આયોજન કરે છે. મને ગર્વ છે કે 50 વર્ષ પહેલા આ જ સ્પર્ધાના બીજાને ત્રીજા વર્ષનો હું પ્રથમ વિજેતા રહી ચૂક્યો છું. રંગભૂમિના ઇતિહાસમાં સુરત મહાનગરપાલિકાના આ અદભુત અને અદ્વિતીય કાર્યની નોંધ લેવી ઘટે.”

51મી નાટ્ય સ્પર્ધાના બીજા નિર્ણાયક એટલે ગુજરાત ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર, લેખક, દિગ્દર્શક અને અભિનેતા વૈભવ મુકેશ દેસાઈ. આ જ સ્પધૉમાં એમણે કેટલાય વર્ષો સુધી ભાગ લીધો છે અને દિગ્દર્શક તથા અભિનયના કેટલાય ઇનામ પણ મેળવ્યા છે હવે એ પ્રથમ વખત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે છે. વૈભવી હાસ્ય સાથે વૈભવ દેસાઈ કહે છે, “ઈશ્વર બધે પહોંચી શકતા નથી તો એમણે કલાકારોનું સર્જન કર્યું જેથી પૃથ્વી ઉપર પીડા અને ભાર થોડા ઓછા થાય. કહેવાય છે કે કોઈ પણ શહેર તેના સંસ્કૃતિ વારસા અને કલા પ્રવૃત્તિઓથી વધુ ઓળખાય છે. ગુજરાતી નાટકો અને રંગભૂમિનું મક્કા શહેર એટલે મારું સુરત. અને તેમા’ય ૫૧ વરસથી ધબકતી સુરત મહાનગર પાલિકા નાટ્યસ્પર્ધા માટે ખરેખર પાલિકાને અભિનંદન પાઠવીએ એટલા ઓછા પડે. સૂર્યપુત્રી તાપીને કિનારે વસેલું સુરત માત્ર સાડી, હીરા કે ખાણી-પીણી જ નહિ પણ અહીંની કલાથી પણ એટલું જ પ્રચલિત થયું એનું કારણ આ નાટ્ય સ્પર્ધા છે. સુરતમાં સર્જાયેલા નાટકો અને અહીનું સર્જન હંમેશા નોખું, અનોખું અને ઉત્તમ રહ્યું છે. અહીંના નાટકોની તોલે ના ગુજરાતના અન્ય શહેરો આવ્યા ન તો મુંબઈના નાટકો. માત્ર હસાવવા કે ટાઈમ પાસ કરવા કે માત્ર વેતન માટેના સર્જનોથી જોજનો આગળ સુરતની રંગભૂમિએ શ્રેષ્ઠ નાટકો આપ્યા એનું કારણ પણ સુરત મહાનગર પાલિકાની આ જ નાટ્યસ્પર્ધા છે. આ સફર આવનારા વર્ષોમાં રંગભૂમિને વધુ ઉજાગર કરી ઉત્તરોત્તર શ્રેષ્ઠતમ સર્જનો સુધી વિસ્તરતી રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. આવી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જોડાવા બદલ હું આનંદ અને ગૌરવ અનુભવું છું.”હવે મળીએ ત્રીજા નિર્ણાયકને, તોરલ ત્રિવેદી. જે મુંબઈ- નાટક અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તોરલ ત્રિવેદી મીઠી મુસ્કાન સાથે કહે છે,” નાટક એટલે નવ રસની પ્રસ્તુતિ. જેમ રસોઈમાં ખાટા, મીઠા, તીખા જેવા રસ ના હોય તો આપણને ભોજન કરવાની રુચિ થતી નથી એમ નાટકોમાં પણ જો કોઈ રસ ના હોય તો પ્રેક્ષકોને નાટક જોવામાં રુચિ જાગતી નથી અને ઘણી વખતે અડધા ભાણે ઉઠીને ચાલવા માંડે છે. મેં લગભગ 7-8 વરસની ઉંમરે કલા જગતમાં પગરણ માંડયા છે જે આજ સુધી ચાલતા ચાલતા જજ ના શિખરે પહોચ્યા છે. આજ સુધી ઘણી નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો, જીત્યા-હાર્યા, મુંબઈમાં મરાઠી તથા ગુજરાતી એક્સપેરીમેન્ટલ અને કમર્શિયલ નાટકોમા ચેલેન્જીંગ અને વર્સેટાઈલ પાત્રો ભજવીને, મુંબઈ રંગભૂમિના ઘણા દિગ્ગજ દિગ્દર્શકો, નિર્દેશકો, લેખકો તથા કલાકારો સાથે કામ કરી ઘણા અનુભવો લીધા જેના ફળ સ્વરૂપે આજે સુરત મહાનગર પાલિકાએ યોજેલી નાટ્ય સ્પર્ધાની જજ પેનલમાં સ્થાન મળ્યું છે એનો ખુબ આનંદ છે. ખાસ આનંદ એ વાતનો છે કે મહાપાલિકાની નાટ્ય સ્પર્ધા છેલ્લા ૫૦ વર્ષોથી ચાલી રહી છે એમાં હું આજ સુધીની મોસ્ટ યંગેસ્ટ જજ છું એ મારું અહોભાગ્ય છે. સાથે સાથે રંગદેવતા નટરાજની ઋણી છું સ્પર્ધામાં હરીફ તરીકે જેટલું ટેન્શન નહોતુ એનાથી કેટલાય ઘણું જજ ની જવાબદારી સંભાળતી વખતે થતું હોય છે. રંગમંચ પરના નાટક પર જજે બાજ પક્ષી જેવી નજર રાખવી પડતી હોય છે થોડી પણ નજર ચૂક યોગ્ય વ્યક્તિને અન્યાય કરી મુકે.”

સાંસ્કૃતિક વિભાગના ઈનચાર્જ મેનેજર ધવલ ગાંધી કહે છે, સુરત મહાનગર પાલિકા દ્વારા અર્ધી સદીથી થતી આ સ્પર્ધા આખા નાટ્ય જગતમાં શિરમોર છે. એનો હિસ્સો હોવાનું દરેકને ગૌરવ હોય છે. આ વર્ષે જજ પેનલમાં ત્રણ જનરેશનનું પ્રીતિનિધિત્વ કરતા જજ છે. જેથી નાટક સંસ્થાને પરિણામ બાબતે વધુ આત્મસંતોષ થશે.

(અરવિંદ ગોંડલિયા-સૂરત)