VIDEO: સુરતમાં અત્ર તત્ર સવર્ત્ર પાણી.. સ્લમથી લઈ પોશ વિસ્તાર જળબંબાકાર

સુરત: બે દિવસમાં ખાબકેલા 12 ઇંચ વરસાદથી આખું શહેર પાણીમાં છે. સોમવારે સાંજે 4.00 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ માત્ર 2 કલાકમાં 4 ઇંચ ધોધમાર ખાબક્યો અને ત્યાર બાદ પણ અવિરત ચાલુ રહ્યો હતો. સોમવારે કુલ 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે મંગળવારે સવારથી બપોર સુધીમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો, જેણે સુરતની સુરત બગાડી. વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અને બોટો ફરતી થઈ ગઈ. 24 કલાકમાં 9 લોકોના મોત પણ નોંધાયા છે.

સ્માર્ટ સિટી સુરત પાણી-પાણી થઈ ગયું. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું. કતારગામ, વરાછા, રાંદેર, વેસુ અને પૂણા પાટિયા જેવા પોશ અને સામાન્ય વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા. શહેરની મુખ્ય સમસ્યા ખાડી પૂરની છે ત્યારે અત્યારે બે ખાડી ભયજનક સપાટી પર વહી રહી છે.

સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ

શહેરના જનજીવન પર માઠી અસર પડી. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા. ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

બોટ દ્વારા 21 નાગરિકને રેસ્ક્યૂ કરાયા

અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બૅંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ 21 નાગરિકને  રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ વરસાદ

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.