ઢાબા સ્ટાઈલ પનીર સબ્જી

આ સબ્જીનો પરંપરાગત સ્વાદ મૂડ સુધારી દે તેવો છે!

સામગ્રીઃ પનીર 250 ગ્રામ, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, તજનો ટુકડો 1 ઈંચ, કાળા મરી 4-5, તેજપત્તાના પાન 2, કાંદા 2, આદુ મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, દહીં ¼ કપ, 2-3 ટામેટાં

પનીર મસાલા માટેઃ આખા ધાણા 2 ટે.સ્પૂન, જીરૂ 1 ટી.સ્પૂન, કાળા મરી 8-10 નંગ, લવિંગ 2, મોટી એલચી 2, તેલ 4 ટે.સ્પૂન,

રીતઃ પનીરને 1.5 ઈંચની લાંબી પણ થોડી જાડી સ્ટીકની જેમ કટ કરી લેવા. તેમાં 2 ચપટી હળદર, ¼ ટી.સ્પૂન લાલ મરચાં પાઉડર તેમજ થોડું મીઠું લગાડીને (મેરીનેટ કરીને) રાખી મૂકો.

મસાલા માટેની સામગ્રીને અધકચરી વાટી લેવી.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં પનીરને ઉમેરીને હળવેથી ફેરવતા જઈ, હલકા સાંતળીને કાઢી લેવા.

ત્યારબાદ તે જ કઢાઈમાં બીજું 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં તજ, કાળા મરી, તેમજ તેજપત્તાનો વઘાર કરીને કાંદો ઝીણો સમારીને સાંતળી લેવો. હવે તેમાં લાલ મરચાં પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું તેમજ વાટેલો સ્પેશ્યલ પનીર ઢાબા મસાલો મેળવી દો. ટામેટાંને ખમણીને મેળવો. ટામેટાં ઢાંકીને સાંતળીને તેલ છૂટું પડે એટલે તેમાં દહીં મેળવીને ગેસની આંચ ધીમી કરીને ચમચા વડે હલાવતાં રહો. 2-3 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી મેળવીને ઢાંકીને થવા દો. 3-4 મિનિટ બાદ પનીરના ટુકડા મેળવીને 1-2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

તૈયાર ગરમાગરમ શાક રોટલી કે પરાઠા સાથે પીરસો.