એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટાને ‘સુપ્રીમ’ આંચકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે ટેલિકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન આઇડિયા (Vi) અને ટાટા ટેલિસર્વિસેઝની અરજીને ફગાવી દીધી છે. આ કંપનીઓએ AGRનાં લેણાંમાં વ્યાજ, દંડ અને દંડ પર વ્યાજ માફ કરવાની માગ કરી હતી. આ નિર્ણયના એક દિવસ પહેલાં જ વોડાફોન આઇડિયાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તેના પર રૂ. 45,000 કરોડથી વધુનું AGR લેણાં બાકી છે અને હાલત એટલી ખરાબ છે કે જો સહાય મળી નહીં તો કંપની બંધ થવાની સ્થિતિમાં આવી જશે.

AGR લેણાં: એરટેલે કેટલી રાહત માગી?

એરટેલ અને તેની બીજી કંપની ભારતી હેક્સાકોમે કોર્ટમાંથી રૂ. 34,745 કરોડની રાહત માગી હતી. એરટેલે કહ્યું હતું કે તે પહેલાંના ચુકાદાને બદલવા માગતી નથી, પણ તેને વ્યાજ અને દંડનો ભાર અત્યંત ભારે લાગી રહ્યો છે. વોડાફોન આઇડિયાએ સરકારે કહ્યું છે કે જો તેને વધુ સહાય નહીં મળે, તો કંપી 2025-26 પછી તેનો ધંધો બંધ કરી દેશે. કંપનીએ કહ્યું હતું કે જો આવું થશે તો તેને દેવાળિયા જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે.

Viનું નિવેદન શું હતું?

Vi (વોડાફોન આઇડિયા)એ જણાવ્યું હતું કે તેણે રૂ. 26,000 કરોડની નવી મૂડી ભેગી કરી છે અને સરકારે તેનાં લેણાંને શેરમાં તબદિલ કર્યાં છે. છતાં પણ બેંકો તેને લોન આપવા તૈયાર નથી. કંપનીએ સરકારને એ પણ જણાવ્યું કે જો Vi બંધ થઈ જશે તો સરકાર તેનો 49 ટકા હિસ્સો ગુમાવી દેશે. કારણ કે સરકારે અગાઉ લેણાંને 1.18 લાખ કરોડના સ્પેક્ટ્રમનાં લેણાંને શેરોમાં ફેરવી દીધું છે.

AGR લેણાં શું છે?

AGR એટલે કે Adjusted Gross Revenue, જે ટેલિકોમ કંપનીઓની આવકનો એક ભાગ હોય છે, જેના પર સરકાર ટેક્સ અને ફી વસૂલે છે. સુપ્રીમ કોર્ટે અગાઉથી જ કહી દીધું છે કે કંપનીઓએ જૂનાં લેણાં ચૂકવવાં જ પડશે. હવે આ કંપનીઓએ માત્ર વ્યાજ અને દંડ માફ કરવાની અપીલ કરી હતી, પણ કોર્ટએ તે પણ નામંજૂર કરી દીધી છે.