સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને લગાવી આકરી ફટકાર

ચેક બાઉન્સ સંબંધિત ગંભીર કેસોમાં ઘેરાયેલા બોલિવૂડના જાણીતા કલાકાર રાજપાલ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અગવાઈ હેઠળની પીઠે રાજપાલ યાદવના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજપાલ યાદવ બોલિવૂડમાં એક્ટિંગ કરવા માટે જાણીતા છે, પરંતુ તેઓ અદાલતની કાર્યવાહીમાં પણ એવો જ ડ્રામા કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

રાજપાલ યાદવ પર ફરિયાદકર્તા ‘મુરલી પ્રોડક્શન્સ’ના આશરે ₹5 કરોડ બાકી છે. ચેક બાઉન્સના 7 જેટલા કેસોમાં દિલ્હી હાઈકોર્ટે તેમને 3-3 મહિનાની સજા ફટકારી હતી અને 10 સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ (સરેન્ડર) કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ આદેશ સામે રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અગાઉ 8 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમને ₹5 કરોડ જમા કરાવવાની શરતે સરન્ડર કરવામાંથી મુક્તિ આપી હતી, પરંતુ તેઓ નિર્ધારિત સમયમાં રકમ જમા કરાવી શક્યા નહોતા.

બે અઠવાડિયામાં ₹૨ કરોડ જમા કરાવવાનો આખરી મોકો

મંગળવારે સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ આગામી બે અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ઓછામાં ઓછા ₹૨ કરોડ જમા કરાવી દેશે અને બાકીની રકમ માટે જામીન રજૂ કરશે. આ દલીલો ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે તેમને રકમ જમા કરાવવાનો આખરી મોકો આપ્યો છે.

પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ, ધરપકડ પર રોક લંબાઈ

સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવવાની સાથે જ રાજપાલ યાદવને તેમનો પાસપોર્ટ તુરંત સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આગામી સુનાવણીની તારીખ 5 ઓક્ટોબર સુધી તેમની ધરપકડ પરની રોક યથાવત રાખીને મોટી રાહત પણ આપી છે.