આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

નાબાલિક (સગીરા) પર દુષ્કર્મના મામલામાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) તરફથી ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની એ અરજી પર તાત્કાલિક કોઈ પણ પ્રકારની અંતરીમ રાહત કે જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે, જેમાં તેમણે પોતાની ખરાબ તબિયત અને સારવારનો હવાલો આપી જેલમાંથી બહાર આવવાની વિનંતી કરી હતી. કોર્ટના આ કડક વલણ બાદ આસારામના સમર્થકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. આ સાથે જ કોર્ટે આ મામલે રાજસ્થાન સરકારને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.

‘અમે અત્યારે જામીન નથી આપી રહ્યા’ – સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ M.M. Sundresh અને જસ્ટિસ Shiel Nagu ની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને પડકારતી આસારામની અરજી પર સુનાવણી દરમિયાન બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે, “અમે અત્યારે જામીન આપી રહ્યા નથી. રાજ્ય સરકારની દલીલો સાંભળ્યા પછી જ અમે એ વાત પર વિચાર કરીશું કે શું જામીન આપવાની કોઈ ગંભીર જરૂરિયાત છે, જેમ કે એવી સ્થિતિ જેમાં તેના જીવનને જોખમ હોય.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે જામીનની જરૂરિયાતને લઈને અન્ય પાસાઓ પર પણ વિચાર કરવામાં આવશે. બીજી તરફ, આસારામના વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમની ઉંમર ઘણી વધારે થઈ ચૂકી છે અને તેઓ અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે, જેના માટે તેમને જેલની બહાર વિશેષ સારવારની જરૂર છે. જો કે, સુપ્રીમ કોર્ટે આ દલીલોને હાલ પૂરતી અપૂરતી ગણીને તાત્કાલિક મુક્તિનો રસ્તો રોકી દીધો છે.

રાજસ્થાન હાઈકોર્ટ પહેલા જ રદ કરી ચૂકી છે અંતરીમ રાહત

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે May મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામની આજીવન કેદની સજા યથાવત રાખી હતી અને તેમની અંતરીમ જામીન અરજી રદ કરી દીધી હતી, જેના કારણે આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કરવું પડ્યું હતું. જો કે, હાઈકોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા (IPC) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ‘પેનિટ્રેટિવ’ યૌન શોષણના આરોપોમાંથી મુક્ત કર્યા હતા. હાઈકોર્ટના આ જ આદેશને પડકારતા આસારામના વકીલોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ અહીં પણ તેમની કાનૂની ટીમને તાત્કાલિક સફળતા મળી નથી.

2013 ના મામલામાં કાપી રહ્યા છે આજીવન કેદની સજા

આસારામને વર્ષ 2018 માં જોધપુરની એક વિશેષ અદાલતે પોતાના આશ્રમમાં એક સગીર શિષ્યા સાથે યૌન ઉત્પીડન અને દુષ્કર્મ આચરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આ ચકચારી કેસમાં અદાલતે તેમને કુદરતી આયુષ્ય (Natural Life) સુધી જેલમાં રહેવા માટે આજીવન કેદની સજા સંભળાવી હતી. વર્ષ 2013 ના આ મામલા બાદથી અત્યાર સુધીમાં આસારામ ઘણી વખત મેડિકલ અને અન્ય આધારો પર જામીન માટે ઉપલી અદાલતોમાં અરજી કરી ચૂક્યા છે, પરંતુ કેટલીક અસ્થાયી રાહતોને બાદ કરતાં તેમને કોઈ કાયમી રાહત મળી શકી નથી.