સુપ્રીમ કોર્ટે રદ કરી 25,000 શિક્ષકોની નિમણૂક

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની સરકારને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે મમતા સરકારને  શિક્ષણ ભરતી કૌભાંડ મામલે મોટો ઝટકો આપતાં સરકારી સ્કૂલોમાં 25,000 શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે.

કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. કોલકાતા હાઈકોર્ટે 2016ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી પાંચથી 15 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી હતી. કોલકાતા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં CBIને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની-કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો.

2016માં સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશનના માધ્યમથી થયેલી ભરતી માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 25,000થી વધુ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય આધાર પર એક દિવ્યાંગ કર્મચારીઓની નોકરી યથાવત્ રાખી છે. બાકીના દિવ્યાંગ કર્મચારીઓને નવી ભરતી પ્રક્રિયામાં થોડી રાહત આપવા પણ નિર્દેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે અમે તથ્યોની સમીક્ષા કરી છે. આ ભરતી પ્રક્રિયા જ હેરફેર અને છેતરપિંડીથી દૂષિત છે જેને કારણે વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે. નિયુક્ત થયેલા ઉમેદવારોએ અત્યાર સુધીનું વેતન પરત આપવાની જરૂર નથી.