76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ દેવવ્રતે કર્યું ધ્વજવંદન

આજે 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા તાલુકના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પરેડની સલામી ઝીલી હતી. પર્વમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. પોલીસ જવાનો દ્વારા બાઇક સ્ટંટ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, બાઇક સ્ટંટ અને હોર્સ શોએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

76માં પ્રજાસત્તાક પર્વની તાપીના વ્યારામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમિયાન હોર્સ શો દ્વારા મંત્રમુગ્ધ કરી મુકે તેવા દિલધડક કરતબો કરવામાં આવ્યા હતા. બીએસએફ, કોસ્ટ ગાર્ડ, ચેતક કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, ગુજરાત જેલ વિભાગ સહિત રાજ્યના વિવિધ જિલ્લાની પોલીસની 23 જેટલી પ્લાટુન જોડાઈ હતી. પોલીસ જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા બાઇક શોએ આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ કૃતિ રજૂ કનારને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

76મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના પ્રાચીનથી અર્વાચીન ઇતિહાસને પ્રસ્તુત કરતો ‘તાપી તારાં નીર નિરંતર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રૂ. 240 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે તાપી જિલ્લાના વિકાસ અર્થે રૂ. 2.50 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને અને રૂ. 2.50 કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો. તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા 13 જેટલા વ્યક્તવિશેષોનું સન્માન તેમજ તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા ‘તાપી…પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે તાપી જિલ્લામાં વ્યારા ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કાર્યરત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘનકચરા વ્યવસ્થાપન માટે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.