‘ભારતીય ટીમમાં સૌથી ખરાબ ડાન્સર કોણ છે?’ ચહલ-કુલદીપે નામ આપ્યું

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે 3-મેચની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝ રમી રહી છે. હૈદરાબાદમાં પહેલી મેચ જીત્યા બાદ તિરુવનંતપુરમમાં બીજી મેચ ભારત હારી ગયું એટલે સિરીઝ 1-1થી સમાન થઈ છે.

હવે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે સિરીઝ નિર્ણાયક ત્રીજી મેચ.

ભારતના 3 ક્રિકેટરોનો રમૂજી સવાલ-જવાબ સાથેનો એક વિડિયો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તૈયાર કરાવ્યો છે અને એને પોતાના સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર શેર પણ કર્યો છે.

હૈદરાબાદની મેચ વખતે યોજવામાં આવેલા આ સવાલ-જવાબ સત્રમાં રોહિત શર્મા એના બે સાથી ક્રિકેટરો કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને રમૂજપ્રેરિત ‘રેપિડ-ફાયર’ સવાલો પૂછે છે જેના યાદવ અને ચહલ જવાબ આપે છે.

એમની મુલાકાતનાં આ છે અમુક અંશઃ

રોહિતઃ હૈદરાબાદમાં તમને સૌથી વધારે શું ગમ્યું?

ચહલઃ વેજ-બિરયાની.

કુલદીપઃ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, કારણ કે મેં મારી ટ્વેન્ટી-20 કારકિર્દીની શરૂઆત આ જ મેદાન પર કરી હતી (આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વતી રમીને).


રોહિતઃ ટીમમાં સૌથી ખરાબ ડાન્સર કોણ છે?

ચહલ અને કુલદીપ (બંને સાથે બોલે છે): શિવમ દુબે


રોહિતઃ ટીમમાં સૌથી ખરાબ હેર સ્ટાઈલ કોની છે?

ચહલઃ મોહમ્મદ શમી.

કુલદીપઃ ભરત અરૂણ (હસે છે).


રોહિતઃ એવા 1 બેટ્સમેનનું નામ આપો જેની સામે બોલિંગ કરવાનું તમને મન ન થાય.

ચહલઃ તું (રોહિત શર્મા).

કુલદીપઃ સૂર્યકુમાર યાદવ.


દરમિયાન, ભારતના પરાજિત દેખાવવાળી બીજી ટ્વેન્ટી-20 મેચ વિશે કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન કર્યું છે. એણે કહ્યું કે જો આપણે આ રીતે ફિલ્ડિંગ કરીશું તો ગમે તેટલો મોટો જુમલો પણ ડીફેન્ડ કરવા માટે પૂરતો નહીં બને. આપણી બોલિંગ સારી રહી છે. ખાસ કરીને પહેલી ચાર ઓવર સરસ રહે છે, પરંતુ જો આપણે કેચ પડતા મૂકતા રહીશું તો આપણને જ નુકસાન થશે. ફિલ્ડિંગમાં આપણે વધારે બહાદુર બનવાની જરૂર છે. આપણને ખબર હતી કે આ પીચ સ્પિનરોને યારી આપશે એટલે આપણે વિચાર્યું કે શા માટે શિવમને બેટિંગ ઓર્ડરમાં ઉપર ન મોકલવો, જેથી એ સ્પિનરોને ફટકારે. આપણો પ્લાન સફળ રહ્યો.