શિવમ દુબેની ફટકાબાજીથી જ્યારે પોલાર્ડ પણ ડરી ગયો હતો

તિરુવનંતપુરમ – વેસ્ટ ઈન્ડિઝની ટીમના બેટ્સમેનો ફટકાબાજી કરીને રવિવારે અહીં ભારતને બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 8-વિકેટથી હરાવી ગયા અને 3-મેચોની સિરીઝને 1-1થી સમાન કરી ગયા છે. હવે 11 ડિસેંબરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંની મેચ નિર્ણાયક બની રહેશે.

રવિવારની બીજી ટ્વેન્ટી-20 મેચ ભારત હારી ગયું, પણ એમાં શિવમ દુબે વ્યક્તિગત રીતે પ્રભાવિત કરી ગયો. કેપ્ટન વિરાટ કોહલીએ મોટું પગલું ભરીને એને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલ્યો હતો અને દુબેએ કેપ્ટને મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને હાફ સેન્ચુરી ફટકારી હતી. એણે માત્ર 30 બોલનો સામનો કર્યો હતો અને 54 રન ઝૂડી કાઢ્યા હતા. આ દાવમાં એણે 4 સિક્સર અને 3 બાઉન્ડરી ફટકારી હતી. એણે વેસ્ટ ઈન્ડિઝના બોલરોની ધુલાઈ કરી નાખી હતી.

દુબેના બેટને શાંત પાડવા માટે ખુદ કેપ્ટન કાયરન પોલાર્ડ બોલિંગમાં આવ્યો હતો. પણ એની લેંગ્થના ઠેકાણા રહ્યા નહોતા. એણે પોતાની એક જ ઓવરમાં 3 વાઈડ બોલ ફેંક્યા હતા. દુબેએ તે એક જ ઓવરમાં 26 રન ખેંચી કાઢ્યા હતા. એમાં 3 સિક્સરનો પણ સમાવેશ થાય છે. ભારતને એ તબક્કે સ્કોરની ગતિ વધારવાની ખૂબ જરૂર હતી અને દુબેએ એ કામ બરાબર પાર પાડ્યું હતું.

શિવમ દુબે મુંબઈનો રહેવાસી છે. આઈપીએલ સ્પર્ધામાં એ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ રોયલ ચેલેંજ બેંગલોર ટીમ વતી રમે છે.

દુબેએ પ્રથમ કક્ષાની મેચોમાં 48.19ની એવરેજ સાથે 1,012 રન ફટકાર્યા છે. એમાં બે સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે.

દુબે જે રીતે બોલને ફટકારે છે એ જોઈને યુવરાજ સિંહની સ્ટાઈલની યાદ આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]