WTC ફાઇનલઃ ટીમ ઇન્ડિયાની આ ભૂલથી નારાજ થયો ગાંગુલી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC) મેચમાં રોહિત શર્માના એક નિર્ણયથી બહુ નારાજ છે. આ મેચમાં પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 327 રન કર્યા હતા, જેમ ટ્રેવેસ હેડે સદી ફટકારી હતી. તે 156 બોલમાં 146 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. એની સામે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ બીજા છેડે વિકેટ સંભાળીને રમી રહ્યો હતો. હેડ અને સ્મિથે ચોથી વિકેટ માટે 370 બોલમાં 251 રનોની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં જંગી સ્કોર તરફ આગળ વધી રહી છે.

ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઇન્ડિયાએ ચાર ઝડપી બોલરોને રમવા ઉતાર્યા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્પિનરોની તુલનાએ ઝડપી બોલરો સામે વધુ સારી રીતે રમી શકે છે. સૌરવ ગાંગુલીએ શર્માના આ નિર્ણયને ભૂલ ભરેલો ગણાવ્યો હતો. ગાંગુલીએ શર્મા પર નિશાન સાધતાં કહ્યું હતું કે આર. અશ્વિનને તમે નજરઅંદાજ ના કરી શકો, જે બોલર 470થી વધુ વિકેટ લઈ ચૂક્યો છે, તેના માટે ટીમમાં જગ્યા બનાવવી જોઈએ. શર્મા અલગ રીતે વિચારે છે. જો હું કેપ્ટન હોત તો રવિચન્દ્રન અશ્વિનને પ્લેઇંગ 11થી બહાર રાખવો મારા માટે મુશ્કેલ હોત. 

 ગાંગુલીએ ટીમ ઇન્ડિયાની નબળાઈને ઉજાગર કરતાં કહ્યું હતું કે ભારત 76 રનમાં ત્રણ વિકેટ લઈને સારી સ્થિતિમાં હતું, પણ પછી ભારતીય બોલરો હેડ અને સ્મિથ પર દબાણ નહીં લાવી શક્યા અને અહીં જ મોટી ભૂલ થઈ ગઈ. ભારતીય ઝડપી બોલરો હેડને સરળતાથી રન બનાવવા દીધા, જેથી ટીમ ઇન્ડિયાને ઘણું નુકસાન થયું. ગાંગુલીએ કહ્યું હતું કે આ મેચમાં અશ્વિનને લેવાની ખાસ જરૂર હતી.