વિશ્વ કપનો આજથી પ્રારંભઃ 46 દિવસ, 48 મેચ, 10 ટીમો

અમદાવાદઃ ICC ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી મેચ ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઇન્ગલેન્ડ અને રનર અપ ન્યુ ઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. આ મેચ બપોરે બે કલાકે શરૂ થશે. વર્લ્ડ કપનું આયોજન પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બરેની વચ્ચે થશે. ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એવું થઈ રહ્યું છે કે સંપૂર્ણ ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં ભારત 1987, 1996 અને 2011નું વનડે ક્રિકેટ વર્લ્ડ કપનું સંયુક્ત યજમાન ભારત કરી ચૂક્યું છે.

ભારતીય ટીમની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઇમાં રમાશે. આ કપની ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.વર્લ્ડ કપ દરમ્યાન 10 ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એકમેક સામે રમશે. એમાં કુલ 45 મેચો રમાશે. પ્રત્યેક ટીમ રાઉન્ડ રોબિનમાં અન્ય નવ ટીમો સામે રમશે. જેમાંથી ટોચની ચાર ટીમો નોકઆઉટ તબક્કા (સેમી ફાઇનલ) માટે ક્વોલિફાય કરશે. ત્યાર બાદ સેમી ફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અને બીજી સેમી ફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. જો ભારત સેમી ફાઇનલમાં પહોંચશે તો એ મેચ મુંબઈમાં રમશે.

વર્લ્ડ કપ 2023ની બંને સેમી ફાઇનલ માટે એક રિઝર્વ ડે રહેશે. આ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે અને 20 નવેમ્બરે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ કપની બધી મેચો દેશના 10 સ્થળોએ રમાશે.

વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. ભારતમાં ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો છે. જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બંગલાદેશ, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની સુપર લીગ દ્વારા ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. જોકે આ પહેલો વર્લ્ડ કપ છે, જેમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ નહીં રમી શકે.