નોટિંઘમ – અહીં ટ્રેન્ટબ્રિજ ખાતે આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 મેચમાં પાકિસ્તાને તંગદિલીની ક્ષણો વચ્ચે યજમાન ઈંગ્લેન્ડને 14-રનથી હાર આપી હતી.
પાકિસ્તાને તેની 50 ઓવરમાં 8 વિકેટે કરેલા 348 રનના સ્કોરની સામે ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 334 રન કરી શકી હતી.
ઈંગ્લેન્ડના બે બેટ્સમેને સદી ફટકારી હતી – જો રૂટે 104 બોલમાં 107 અને વિકેટકીપર જોસ બટલરે તેના કરતાંય વધારે આક્રમક રમત રમીને 76 બોલમાં 103 રન ફટકાર્યા હતા. પરંતુ મેચના અંત ભાગમાં પાકિસ્તાનના બોલરો છવાઈ ગયા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં પ્રથમ સદી જો રૂટના નામે રહી.
ખાસ કરીને ડાબોડી ફાસ્ટ બોલર વહાબ રિયાઝની એક જ ઓવરમાં બે વિકેટ પડી જતાં ઈંગ્લેન્ડનો ખેલ ખતમ થઈ ગયો હતો. રિયાઝે તે ઓવરમાં મોઈન અલી (19) અને ક્રિસ વોક્સ (21)ની વિકેટ પાડી હતી. તે પછી, મોહમ્મદ અમીરની ઓવરમાં રિયાઝે ડીપમાં જોફ્રા આર્ચર (1)નો કેચ પકડ્યો હતો. આ જ રિયાઝે અગાઉ, અમીરની બોલિંગમાં બટલરનો કેચ પકડતાં મેચ ફરી પાકિસ્તાનની તરફેણમાં આવી ગઈ હતી.
રૂટે તેના દાવમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા જ્યારે બટલરે 9 બાઉન્ડરી અને બે સિક્સર ફટકારી હતી.
અગાઉ, ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું કહ્યા બાદ પાકિસ્તાને કરેલા 348 રનના દાવમાં ત્રણ હાફ સેન્ચુરી થઈ હતી. બાબર આઝમે 63, મોહમ્મદ હાફીઝે 84 અને કેપ્ટન સરફરાઝ એહમદે 55 રન કર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન ઈમાદ-ઉલ-હક (44) અને ફખર ઝમાન (36)એ પહેલી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી.
સરફરાઝ એહમદે ઈંગ્લેન્ડના દાવમાં ત્રણ કેચ પકડ્યા હતા.
પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર વહાબ રિયાઝે 10 ઓવરમાં 82 રનમાં 3 વિકેટ લીધી હતી. અન્ય ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે 10 ઓવરમાં 67 રનમાં બે વિકેટ લીધી હતી. લેગબ્રેક બોલર શાદાબ ખાને 63 રનમાં બે તથા બે ઓફ્ફ બ્રેક બોલરો – મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકે 1-1 વિકેટ લીધી હતી. મોહમ્મદ હાફીઝને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે ફિલ્ડિંગમાં એક કેચ પણ પકડ્યો હતો.
પાકિસ્તાનના દાવ વખતે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ ચમક્યો હતો. એણે 3 કેચ પકડ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. એણે ઈમામ, આઝમ અને સરફરાઝ એહમદનો કેચ પકડ્યો હતો. બોલિંગમાં એણે સરફરાઝ એહમદ, શોએબ મલિક અને વહાબ રિયાઝની વિકેટો લીધી હતી.
સ્પર્ધાની પહેલી મેચમાં પાકિસ્તાનનો વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય થયો હતો જ્યારે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.