લંડન – ઐતિહાસિક લોર્ડ્સ મેદાને આજે ખરેખર ઈતિહાસસર્જક મેચ આપી. ગજબના વળ-વળાંકો વાળી, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની અત્યાર સુધીની સૌથી જબરદસ્ત, નાટ્યાત્મક અને યાદગાર મેચ અને વર્લ્ડ કપની ફાઈનલમાં આજે ન્યૂઝીલેન્ડને સુપર-ઓવરમાં હરાવીને ઈંગ્લેન્ડ નવું આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે.
ઈંગ્લેન્ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલી જ વાર વિજેતાપદ હાંસલ કર્યું છે.
રોમાંચની પરાકાષ્ઠા, ચરમસીમાને પાર કરી ગયેલી આ મેચમાં ઈંગ્લેન્ડને વિજેતા બનાવવામાં એના બેટિંગ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો સિંહફાળો રહ્યો.
Eng-NZ ફાઈનલ મેચમાં સ્કોર ટાઈ રહ્યો.
NZ 241-8 (50)
England 241 (50).
ત્યારબાદ સુપર ઓવર પણ 15-15 રનથી ટાઈ થઈ, પણ દાવમાં બાઉન્ડરીની સંખ્યાના આધારે ઈંગ્લેન્ડ વિશ્વવિજેતા બન્યું. ન્યૂઝીલેન્ડ કરતાં ઈંગ્લેન્ડે તેના દાવમાં 6 બાઉન્ડરી વધારે ફટકારી હતી.
ડાબોડી બેટ્સમેન બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની જીતનો હિરો બન્યો. 84*(98, 5×4, 2×6). એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. યોગાનુયોગ, સ્ટોક્સનો જન્મ ન્યૂઝીલેન્ડના કેન્ટરબરીમાં થયો હતો.
સુપર ઓવરમાં નિયમાનુસાર, બીજા નંબરે બેટિંગ કરનાર ટીમે પહેલા બેટિંગ કરવાનું આવ્યું. ઈંગ્લેન્ડ વતી બેન સ્ટોક્સ અને જોસ બટલરે બેટિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડ વતી બોલિંગ કરી હતી ટ્રેન્ટ બોલ્ટે. પણ સ્ટોક્સ-બટલરે એને ઝૂડી કાઢીને 3, 1, 4, 1, 2, 4 સહિત કુલ 15 રન કર્યા.
ન્યૂઝીલેન્ડે મેચ અને વિજેતા ટ્રોફી જીતવા માટે 16 રન કરવાના હતા. જેમ્સ નીશમ અને માર્ટિન ગપ્ટીલ દાવ લેવા ઉતર્યા હતા. ઈંગ્લેન્ડનો બોલર હતો જોફ્રા આર્ચર. આર્ચરે પહેલો બોલ વાઈડ નાખ્યા બાદ નીશમે પહેલા બોલમાં 2 અને બીજા બોલમાં સિક્સર ફટકારી હતી. નીશમે વધુ બે બોલમાં 2-2 રન લીધા. પાંચમા બોલે 1 રન લીધો. ગપ્ટીલે આખરી બોલમાં ફટકો માર્યો, પણ એક રન જ પૂરો કરી શક્યો, બીજો રન અધૂરો રહ્યો અને તે રનઆઉટ થયો. જેસન રોયનો થ્રો મળતાં કીપર બટલરે ગપ્ટીલને રનઆઉટ કર્યો.
અગાઉ, 241 રનના ટાર્ગેટને ચેઝ કરવા જતાં ઈંગ્લેન્ડ મુસીબતમાં મૂકાઈ ગયું હતું. એક પછી એક વિકેટ પડતી રહી હતી, પણ બેન સ્ટોક્સે એક છેડો સંભાળી રાખ્યો હતો અને 98 બોલમાં 84 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
મેચની આખરી ઓવરમાં ઈંગ્લેન્ડને જીત માટે 15 રન કરવાના આવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે ફેંકેલી તે ઓવરમાં સ્ટોક્સે ત્રીજા બોલે સિક્સ મારી હતી. ચોથા બોલે સ્ટોક્સને નસીબના જોગે 2 વત્તા ઓવર-થ્રોનાં 4 એમ છ રન મળ્યા હતા.
તે પછીના બે બોલમાં નાટક સર્જાયું હતું. પાંચમા બોલે આદિલ રશીદ રનઆઉટ થયો હતો અને છઠ્ઠા બોલે માર્ક વૂડ પણ રનઆઉટ થયો હતો. પરિણામે બંને ટીમનો સ્કોર 241 રને ટાઈ થતાં મેચ પરિણામ માટે સુપર-ઓવરમાં લઈ જવી પડી હતી.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ એની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 240 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો જરાય છૂટ લઈ શક્યા નહોતા. દાવમાં માત્ર એક જ બેટ્સમેન હાફ સેન્ચુરી કરવામાં સફળ રહ્યો હતો – ઓપનર હેન્રી નિકોલ્સ. એણે 55 રન કર્યા હતા. વિકેટકીપર ટોમ લેથમે 47, કેપ્ટન કેન વિલિયમ્સને 30, ઓપનર માર્ટિન ગપ્ટીલ અને જેમ્સ નીશામે 19-19, કોલીન ડી ગ્રેન્ડહોમે 16, રોસ ટેલરે 15 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડના બે ફાસ્ટ બોલર – ક્રિસ વોક્સ અને લિયામ પ્લન્કેટે 3-3 વિકેટ લીધી હતી. અન્ય બે ફાસ્ટ બોલર – જોફ્રા આર્ચર અને માર્ક વૂડ એક-એક બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહ્યા હતા.
ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો જરાય છૂટ લઈ શક્યા નહોતા. દાવમાં માત્ર એક જ બેટ્સમેન હાફ સેન્ચુરી કરવામાં સફળ રહ્યો હતો – ઓપનર હેન્રી નિકોલ્સ. એણે 55 રન કર્યા હતા. વિકેટકીપર ટોમ લેથમે 47, કેપ્ટન કેન વિલિયમ્સને 30, ઓપનર માર્ટિન ગપ્ટીલ અને જેમ્સ નીશામે 19-19, કોલીન ડી ગ્રેન્ડહોમે 16, રોસ ટેલરે 15 રન કર્યા હતા.
બંને પ્લેઈંગ ટીમ આ મુજબ હતીઃ
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઈન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), ક્રિસ વોક્સ, લિયામ પ્લન્કેટ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વૂડ.
ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટીલ, હેન્રી નિકોલ્સ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, જેમ્સ નીશમ, ટોમ લેથમ (વિકેટકીપર), કોલીન ડી ગ્રેન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેન્રી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.
ઈંગ્લેન્ડને ઘરઆંગણે અને અનુકૂળ સ્થિતિમાં રમવાનો લાભ મળ્યો હતો એટલે તે આજની ફાઈનલ જીતવા માટે ફેવરિટ્સ હતું.
ઈંગ્લેન્ડની ટીમ સેમી ફાઈનલમાં 2015ની વિશ્વવિજેતા ઓસ્ટ્રેલિયા ટીમને 8-વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી હતી જ્યારે ન્યૂઝીલેન્ડે અન્ય સેમી ફાઈનલમાં ભારતને 18-રનથી પરાજય આપ્યો હતો.