વર્લ્ડ કપ ફાઈનલનું પરિણામ ન્યૂઝીલેન્ડ માટે ગેરવાજબી ગણાયઃ પૂજારા

રાજકોટ – ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કહ્યું છે કે રવિવારે લંડનના લોર્ડ્સમાં અત્યંત રોમાંચક વર્લ્ડ કપ ફાઈનલ મેચને અંતે બાઉન્ડરીઓની સંખ્યાના આધારે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ વિજેતા તરીકે ઘોષિત કરાયા બાદ ન્યૂઝીલેન્ડ રનર્સ-અપ તરીકે ફિનિશ થયું એ થોડુંક ગેરવાજબી છે.

ફાઈનલ મેચમાં બંને ટીમનો સ્કોર 241 રને સમાન થતાં મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ ખેલાયેલી સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ થયો હતો. આખરે બંને ટીમે એમના દાવ વખતે ફટકારેલી બાઉન્ડરીઓની સંખ્યાના આધારે વિજેતા તરીકે ઈંગ્લેન્ડ ઘોષિત કરાયું હતું. ઈંગ્લેન્ડે 22 ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે ન્યૂઝીલેન્ડે 16.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આયોજિત એક ખેલકૂદ કાર્યક્રમ દરમિયાન પૂછાતાં પૂજારાએ જવાબમાં કહ્યું કે મારા મતે તો ફાઈનલમાં કોઈ ટીમ પરાજિત થઈ નહોતી. બંને ટીમને ટ્રોફી વહેંચી દેવી જોઈતી હતી. પરંતુ નિર્ણય લેવાનું કામ તો આઈસીસીનું છે. નવા આઈડિયા અને નિર્ણયો લેવાનું કામ તો એનું છે. વર્લ્ડ કપ ફાઈનલમાં અગાઉ ક્યારેય આવું બન્યું નહોતું, એટલે મને નિયમોની કોઈ જાણકારી નથી.

‘પરંતુ, ન્યૂઝીલેન્ડ માટે થોડુંક ગેરવાજબી થયું કહી શકાય, કારણ કે એ લોકો એટલું બધું સરસ ક્રિકેટ રમ્યા હતા, પણ આખરે ક્રિકેટની રમતને જ સલામ કરવી પડે. મને ખાતરી છે કે આ મેચ લોકોને હંમેશાં યાદ રહી જશે,’ એમ પૂજારાએ વધુમાં કહ્યું.

ભારતીય ટીમમાં ચોથા નંબરના સ્થાને કયા બેટ્સમેનને રમાડવો જોઈએ એ હાલમાં જ રમાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધા દરમિયાન ચર્ચાનો વિષય બની રહ્યો હતો. એ વિશે પૂજારાએ કહ્યું કે મને એ નંબર પર રમવાનું ગમ્યું હોત, જોઈએ ભવિષ્યમાં મને એવી કોઈ જવાબદારી આપવામાં આવે છે કે નહીં. મને ભારતની વર્લ્ડ કપ ટીમના સભ્ય તરીકે રમવા મળ્યું હોત તો બહુ ગમ્યું હોત, પરંતુ હવે એ ભૂતકાળની વાત થઈ ગઈ. હવે હું ભવિષ્યમાં તક મળશે તો પસંદ કરીશ. મને આશા છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ટીમમાં મારી પસંદગી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. ત્યાં ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ, 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે. આ પ્રવાસનો આરંભ 3 ઓગસ્ટથી થશે.

આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે પૂજારાએ કહ્યું કે એ સ્પર્ધાથી ટેસ્ટ ક્રિકેટે ગુમાવેલું મહત્ત્વ એને પાછું મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફોર્મેટ અનુસાર, જુલાઈ-2019 અને એપ્રિલ-2021 વચ્ચેના સમયગાળામાં ટોપ-રેન્ક ધરાવતા 9 દેશો લીગ તબક્કામાં રમશે.