નડાલને 3-1થી હરાવી ફેડરર વિમ્બલ્ડનની ફાઈનલમાં પહોંચ્યો

0
703

લંડન – 37 વર્ષની ઉંમરે પણ વીસીની વયના કોઈ તરવરીયા યુવાન જેવી ફિટનેસ ધરાવતા રોજર ફેડરરે આજે તેની તાકાતનો પરચો બતાવીને વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ સેમી ફાઈનલમાં તેનાથી 4 વર્ષ નાના રાફેલ નડાલને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

સ્વિટ્ઝર્લેન્ડના દંતકથાસમાન ખેલાડી ફેડરરે આજે રમાઈ ગયેલી બીજી સેમી ફાઈનલમાં સ્પેનના નડાલને 7-6 (7-3), 1-6, 6-3, 6-4થી પરાજય આપીને મેચ જીતી લીધી. હવે રવિવારે રમાનાર ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચ સામે મુકાબલો થશે.

ફેડરર આ 12મી વખત વિમ્બલ્ડન સિંગલ્સ ફાઈનલમાં પહોંચ્યો છે. એના ફાઈનલ પ્રવેશનાં વર્ષો છેઃ 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2017 અને 2019.

આજે પહેલી સેમી ફાઈનલમાં જોકોવિચે સ્પેનના રોબર્ટો બોતિસ્તા એગુતને 6-2, 4-6, 6-3, 6-2થી પરાજય આપ્યો હતો.

આજની મેચમાં, ફેડરરે 14 એસ શોટ્સ ફટકાર્યા તા અને પોતાની પહેલી સર્વિસમાં એ 69% સફળ રહ્યો હતો.

ફેડરરે તેનું વિક્રમસર્જક આઠમું વિમ્બલ્ડન ટાઈટલ 2017માં જીત્યું હતું, પણ 2014 અને 2015ની ફાઈનલમાં એ જોકોવિચ સામે હારી ગયો હતો.

ફેડરર અત્યાર સુધીમાં આઠ વાર વિમ્બલ્ડન ટાઈટલ જીતી ચૂક્યો છે.

20 વખત ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટ્રોફી જીતનાર ફેડરરે આજે નડાલ સામેની મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. આ બંને મહાન હરીફ ખેલાડીઓ 11 વર્ષ બાદ પહેલી વાર ફરી આમનેસામને ટકરાયા હતા. છેલ્લે, 2008ની વિમ્બલ્ડન ફાઈનલમાં ફેડરરે નડાલને પરાજય આપ્યો હતો, પણ તે મેચ ખૂબ લાંબી ચાલી હતી. પાંચમો સેટ 9-7 સુધી લંબાઈ ગયો હતો.