ભારત અને ન્યૂઝીલેન્ડ 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મહામુકાબલાની ફાઈનલમાં ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. ગઈકાલે પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલીને ઘૂંટણ નજીક બોલ વાગતા તરત જ ફિઝિયોથેરપિસ્ટે તેની સારવાર કરી. શરૂઆતમાં તેને દુખાવો થતો હતો, જેના કારણે તેને થોડીવાર માટે પ્રેક્ટિસ રોકવી પડી. જો કે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે કોહલી ફાઈનલ માટે સંપૂર્ણપણે ફિટ છે અને ચિંતા કરવાની જરૂર નથી.
ફાઈનલમાં ઉતરતા પહેલા કોહલીની નજર એક મોટો રેકોર્ડ બનાવવા પર હશે. જો તે 45 રન બનાવશે તો ચેમ્પિયન્સ ટ્રોફી ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલ તેણે 4 મેચમાં 217 રન બનાવ્યા છે, જેમાં એક શાનદાર સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સામેની સદી તેની ટુર્નામેન્ટની સૌથી યાદગાર ઇનિંગ્સ રહી છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે પ્રેક્ટિસ દરમિયાન લાંબી ચર્ચા કરી. ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ કરી. સાથે જ, ફાઈનલ માટે સ્થાનિક સ્પિનરોની પણ મદદ લેવામાં આવી. ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ એક મોટા ઇતિહાસ સર્જવાનો મોકો છે. જો કોહલી અને ટીમ શાનદાર પ્રદર્શન કરશે, તો ભારત ફરી એકવાર આ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતવા માટે મજબૂત દાવેદાર બની શકે છે.
