કોલકાતા – આવતા વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ માટે બોક્સિંગ પસંદગી અજમાયશોમાં પોતાની ટ્રાયલ માટે મહિલા બોક્સર નિખાત ઝરીન જોરદાર તૈયારી કરી રહી છે. આ ટ્રાયલ 27 ડિસેંબરે યોજાવાની છે. આ ટ્રાયલમાં નિખાત અનુભવી બોક્સર મેરી કોમ સાથે સીધો મુકાબલો કરવા સજ્જ બની છે.
51 કિ.ગ્રા. વજન વર્ગ માટે ઓલિમ્પિક ક્વાલિફાઈંગ રાઉન્ડ આવતા વર્ષના ફેબ્રુઆરીમાં ચીનના વુહાનમાં યોજાનાર છે. આ વર્ગ માટેના ક્વાલિફાઈંગ રાઉન્ડમાં સ્થાન મેળવવા માટે નિખાત અને મેરી કોમ વચ્ચે ટ્રાયલ મુકાબલો ડિસેંબરની 27મીએ થવાનો છે.
મેરી કોમ છ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યાં છે. એમની અને નિખાત વચ્ચે બિગ બાઉટ લીગ સ્પર્ધામાં મુકાબલો થવાનો હતો. એ સ્પર્ધાને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે, પરંતુ લંડન ઓલિમ્પિક્સના કાંસ્ય ચંદ્રક વિજેતા મેરી કોમ પીઠના દુખાવાને લીધે છેલ્લી ઘડીએ મુકાબલામાંથી હટી ગયાં હતાં.
મેરી કોમ બિગ બાઉટ લીગ સ્પર્ધામાં પંજાબ પેન્થર્સ ટીમનાં કેપ્ટન છે. જ્યારે નિખાત નોર્થ ઈસ્ટ રાઈનોઝ ટીમની કેપ્ટન છે.
નિખાતે કહ્યું કે મને છેક ગઈ કાલે રાતે જ ખબર પડી કે મેરી કોમ મારી સાથે એમાં લડવાનાં નથી. હું તો તૈયાર હતી. મને બહુ જ સરસ તક હતી. હવે મને એમની સામે માત્ર ટ્રાયલ્સમાં જ મુકાબલો કરવા મળશે. જો એ લડવા માગતા ન હોય તો હું એમની પર દબાણ નહીં કરું. પસંદગી એમણે કરવાની છે. મારું કમનસીબ કે એ બિગ બાઉટ લીગમાં રમવાનાં નથી. હવે હું ટ્રાયલ મુકાબલા પર ધ્યાન કેન્દ્રિત કરીશ.
ઉલ્લેખનીય છે કે ટોકિયો ઓલિમ્પિક્સ માટેની ક્વાલિફાયર્સમાં મેરી કોમની સીધી પસંદગી કરી દેવાતાં વિવાદ ઊભો થયો છે. બોક્સિંગ એસોસિએશને કહ્યું હતું કે મેરી કોમને ટ્રાયલ્સમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.
પરંતુ, જુનિયર વર્લ્ડ ચેમ્પિયન અને તેલંગાણાની 23 વર્ષીય નિખાતે માગણી કરી છે કે 36 વર્ષીય મેરી કોમ સાથે પોતાનો ટ્રાયલ મુકાબલો યોજવો જ જોઈએ.
બિગ બાઉટ લીગમાં શરૂઆતમાં, નિખાતને ઓડિશા વોરિયર્સ ટીમમાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ લીગનાં આયોજકોએ અચાનક નિર્ણય લઈને અને નિખાતને જાણ કર્યા વિના એને નોર્થ ઈસ્ટ રાઈનોસ ટીમમાં મૂકી દીધી હતી.
આને કારણે નિખાત પર માનસિક દબાણ ઊભું થાય એમ છે, પરંતુ નિખાતે કહ્યું હતું કે હું મેરી કોમ સામે આ લીગમાં લડવા માટે તૈયાર છું. મારી પોતાની વ્યૂહરચના છે. પણ મને લાગે છે કે હવે મારો એમની સાથેનો મુકાબલો ટ્રાયલ્સમાં જ થશે. કંઈ વાંધો નહીં. મારી પાસે હવે માત્ર 10 દિવસ જ બચ્યા છે, પણ હું શારીરિક અને માનસિક રીતે સ્વયંને સજ્જ રાખીશ. મારો બેસ્ટ દેખાવ કરીશ.