દેશના ચાહકો માટે વર્લ્ડ કપ જીતવા અમે સજ્જ છીએઃ કોહલી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ કહ્યું છે, તે પોતે અને એની ટીમના સાથીઓ આગામી ODI વર્લ્ડ કપમાં એમનો શ્રેષ્ઠ દેખાવ કરવા અને સ્પર્ધા જીતવા માટે પ્રતિબદ્ધ છે. ઘરઆંગણે વર્લ્ડ કપ ફરી જીતીને ભારતીય ચાહકોનું સપનું સાકાર કરવા અમે સજ્જ છીએ.

ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં બે વાર વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે. 1983માં કપિલ દેવની આગેવાની હેઠળ અને 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ. 1983ના વર્લ્ડ કપમાં, લંડનના લોર્ડ્સ મેદાન પર રમાયેલી ફાઈનલમાં ભારતે ફેવરિટ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જ્યારે 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. વર્તમાન કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતે ગઈ કાલે કોલંબોમાં એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 10-વિકેટથી હરાવ્યું હતું. હવે કોહલી 12 વર્ષની પ્રતીક્ષા બાદ ભારત ફરી વર્લ્ડ કપ ચેમ્પિયન બને એ માટે આતુર થયો છે. 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં અને 2019માં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી હતી.

આ વખતે વર્લ્ડ કપ જીતવા વિશે કોહલીના વિચારો સાથેે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સૂર પૂરાવ્યો છે. એણે કહ્યું, આખા દેશને અમારી પર અપેક્ષા છે અને અમે અમારો શ્રેષ્ઠ દેખાવ કરીને આપણા ચાહકોને ગર્વ અપાવવા માટે કટિબદ્ધ છીએ.

ભારત આ વખતની વર્લ્ડ કપ સ્પર્ધાનું યજમાન છે. સ્પર્ધાની પહેલી મેચ પાંચ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયા વખતની વિજેતા ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે છે.