મુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર આઈપીએલ ચેમ્પિયનઃ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 1-રનથી હાર આપી

હૈદરાબાદ – અહીંના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે અત્યંત રોમાંચક નિવડેલી આઈપીએલ-2019 (આઈપીએલની 12મી આવૃત્તિ) સ્પર્ધાની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 1-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે આ ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતી છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 149 રન કર્યા હતા. તેના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 148 રન કર્યા હતા. ચેન્નાઈના ઓપનર શેન વોટસને 80 રન કરીને મુંબઈ ટીમને જોરદાર લડત આપી હતી, પણ આખરી ઓવરના ચોથા બોલે એ રનઆઉટ થતાં ચેન્નાઈ ટીમને માથે જાણે વીજળી પડી હતી. વોટસને 59 બોલમાં 4 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 80 રન ફટકાર્યા હતા.

ચેન્નાઈને જીત માટે મેચના આખરી બોલે 2 રન કરવાના હતા, પણ શાર્દુલ ઠાકુર લેગબીફોર આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા પાંચ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. એણે 4 ઓવરમાં 14 રન આપીને બે (અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો) કિંમતી વિકેટ લીધી હતી.

 

અગાઉ, વિકેટકીપર ક્વિન્ટન ડી કોક (29) અને કેપ્ટન રોહિત શર્મા (15)ની ઓપનિંગ જોડીએ 45 રનની ભાગીદારી કરીને મુંબઈના દાવનો સરસ આરંભ કર્યો હતો, પણ આ જોડી તૂટ્યા બાદ કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહોતી. કાઈરન પોલાર્ડ 25 બોલમાં 3 સિક્સર, 3 બાઉન્ડરી સાથે 41 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે 15, ઈશાન કિશને 23, કૃણાલ પંડ્યાએ 7, હાર્દિક પંડ્યા 16, રન કર્યા હતા. રાહુલ ચહર અને મિચેલ મેકક્લેનેગન ઝીરો પર આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર દીપક ચહર 4 ઓવરમાં 26 રનમાં 3 વિકેટ લઈને મુંબઈનો બેસ્ટ બોલર રહ્યો હતો. અન્ય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને લેગસ્પિનર ઈમરાન તાહિરે 2-2 વિકેટ લીધી હતી.

બંને ઈલેવન આ મુજબ હતી

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કાઈરન પોલાર્ડ, રાહુલ ચહર, મિચેલ મેકક્લેનેગન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા.

ચેન્નાઈ સુપર કિંગ્સઃ ફાફ ડુ પ્લેસીસ, શેન વોટસન, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, હરભજન સિંહ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, ઈમરાન તાહીર.

મુંબઈ અને ચેન્નાઈ બેઉ ટીમ આ ચોથી વાર IPL વિજેતાપદ હાંસલ કરવા જંગે ચડી હતી.

ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમ 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 2013, 2015, 2017માં ચેમ્પિયન બની હતી.

બંને ટીમ આજની મેચ પૂર્વે આઈપીએલ ફાઈનલમાં 3 વાર સામસામી ટકરાઈ ચૂકી હતી. એમાં ચેન્નાઈ એક વાર અને મુંબઈ બે વાર જીતી છે. પરંતુ એ ત્રણેય ફાઈનલમાં જે ટીમે પહેલા બેટિંગ કરી હતી એ ચેમ્પિયન બની હતી.

આ વખતની સ્પર્ધામાં મુંબઈ સામે ચેન્નાઈનો આ સતત ચોથો પરાજય હતો.

2010માં ચેન્નાઈએ 23 રનથી જીત મેળવી હતી જ્યારે 2013માં મુંબઈએ 23 રનથી અને 2015માં મુંબઈએ 41 રનથી જીત મેળવી હતી.

આઈપીએલ-2019ની ક્વાલિફાયર-1 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય થયો હતો. ત્યારબાદ એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હતો. એલિમિનેટર મેચમાં ચેન્નાઈ ટીમે દિલ્હીને પરાજય આપ્યો હતો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

આજની મેચ પૂર્વે મુંબઈ ટીમ ચાર વખત ફાઈનલમાં પહોંચી હતી અને 3 વાર વિજેતા બની છે. જ્યારે ચેન્નાઈ ટીમ 8 વાર ફાઈનલમાં પહોંચી છે અને 3 વાર વિજેતા બની છે.