ઈગોર સ્ટીમેક નિમાયા ભારતીય ફૂટબોલ ટીમના હેડ કોચ

નવી દિલ્હી – ક્રોએશિયાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ઈગોર સ્ટીમેકને ભારતના પુરુષોની સિનિયર ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટીમેકની નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે. એમની સાથે આ કોન્ટ્રાક્ટ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ની એક્ઝિક્યુટિવ કમિટીએ કર્યો છે.

સ્ટીમેકને ક્રોએશિયામાં તેમજ આંતરરાષ્ટ્ર સ્તરે કોચિંગ, ફૂટબોલ રમત તથા ખેલાડીઓનાં ઘડતરમાં 18 વર્ષનો અનુભવ છે. 2014ની વર્લ્ડ કપ સ્પર્ધા વખતે સ્ટીમેક જ ક્રોએશિયાની ટીમના કોચ હતા અને એમના જ માર્ગદર્શનને કારણે ટીમ એ સ્પર્ધા માટે ક્વાલિફાય થઈ હતી.

સ્ટીમેક છેલ્લે કતરમાં અલ-શહાનીયા ક્લબમાં કોચિંગ આપતા હતા.

એમણે દારિયો શ્રેના, ડેનિયસ સુબેસીચ, ઈવાન સ્ટ્રીનિચ, કોવાસીચ, પેરીસીચ જેવા ખેલાડીઓની કારકિર્દીનું ઘડતર કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

ખેલાડી તરીકે સ્ટીમેક 1998માં ફ્રાન્સમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં રમ્યા હતા. એ સ્પર્ધામાં ક્રોએશિયાની ટીમ ત્રીજા સ્થાને આવી હતી. ફાઈનલમાં ફ્રાન્સે બ્રાઝિલને 3-0થી પરાજય આપ્યો હતો.

AIFFના પ્રમુખ પ્રફુલ પટેલે કહ્યું છે કે બ્લુ ટાઈગર્સ (ભારતીય ખેલાડીઓ)ને કોચિંગ આપવા માટે ઈગોર યોગ્ય ઉમેદવાર છે. હું એમને આવકારું છું. ભારતીય ફૂટબોલ પરિવર્તનની દિશામાં અગ્રસર છે અને મને વિશ્વાસ છે કે ઈગોરનો બહોળો અનુભવ ભારતીયોને નવી ઉંચાઈ પર લઈ જશે.

ભારતના ઓલ-ટાઈમ ટોપ ગોલસ્કોરર સુનીલ ચેટ્રીએ પણ ઈગોરની નિમણૂકને આવકારી છે. ચેટ્રીએ કહ્યું કે ઈગોરને બહોળો અનુભવ છે. હવે આપણા ખેલાડીઓ એમની પાસેથી માર્ગદર્શન મેળવવામાં કેટલા સફળ થાય છે એની પર બધો આધાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]