વધુ બે બાળક પેદા કરઃ વોર્નરની કોહલીને ‘સલાહ’

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર અને આઈપીએલ સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ ટીમ વતી રમતા ડેવિડ વોર્નરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના બેટર વિરાટ કોહલીને સલાહ આપી છે કે, ‘હાલ જ્યારે કોહલી નબળા ફોર્મવાળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એણે મૂળ બાબતોને જ વળગી રહેવું જોઈએ. દરેક ખેલાડીની કારકિર્દીમાં આવો નબળો સમયગાળો આવતો જ હોય છે. કોહલીએ બે વધારે બાળકો પેદા કરવા જોઈએ અને જિંદગી તથા ક્રિકેટનો આનંદ માણવો જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, કોહલી આઈપીએલ સ્પર્ધામાં કંગાળ બેટિંગ ફોર્મનો શિકાર બન્યો છે. એણે ઘણા વખત પછી ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. આ વખતની સ્પર્ધામાં તેણે 10 દાવમાં 186 રન જ કર્યા છે. બે વખત એ ઝીરો પર આઉટ થયો હતો.