વિશાખાપટનમ – અહીંના ACA-VDCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ભારતના ઓપનરો – મયંક અગ્રવાલ અને રોહિત શર્માના જોરદાર શો બાદ બે સ્પિનર – રવિચંદ્રન અશ્વિન તથા રવિન્દ્ર જાડેજાએ મોરચો સંભાળી લીધો હતો. એને કારણે પ્રવાસી સાઉથ આફ્રિકા ટીમ ભારતને ઘૂંટણીયે પડી ગઈ હતી. ભારતે તેનો પહેલો દાવ 7 વિકેટે 502 રને ડિકલેર કર્યો હતો. એના જવાબમાં, સાઉથ આફ્રિકાએ દિવસની રમતને અંતે તેના પહેલા દાવમાં 39 રન કર્યા હતા, પણ એની 3 વિકેટ પડી ગઈ છે. ઓપનર ડીન એલ્ગર 27 રન અને ટેમ્બા બાવુમા 2 રન સાથે દાવમાં હતો.
ભારતનો 502 રનનો જંગી જુમલો મયંક અગ્રવાલની બેવડી સદી – 215 રન અને રોહિત શર્માના 176 રન અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 317 રનની ભાગીદારીને આભારી છે. અગ્રવાલે 371 બોલનો સામનો કર્યો હતો અને 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તો પહેલી જ વાર ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે રમનાર રોહિત શર્માએ 244 બોલના દાવમાં 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ગઈ કાલે વરસાદને કારણે મેચ વહેલી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે ભારતનો સ્કોર વિકેટ વગર 202 રન હતો. આજે અગ્રવાલ-શર્માની જોડીએ આગળ રમવાનું શરૂ કર્યું હતું.
આ જોડીની રમતનો અંત ડાબોડી સ્પિનર કેશવ મહારાજે લાવ્યો હતો. એની બોલિંગમાં રોહિત શર્મા કીપર ક્વિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ આઉટ થયો હતો.
અગ્રવાલ-શર્માની જોડી તૂટ્યા બાદ બીજા કોઈ બેટ્સમેને ઉલ્લેખનીય સ્કોર કર્યો નહોતો. ચેતેશ્વર પૂજારા 6, કેપ્ટન વિરાટ કોહલી 20, અજિંક્ય રહાણે 15, હનુમા વિહારી 10, વિકેટકીપર રિદ્ધિમાન સહા 21 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 30 રન અને અશ્વિન 1 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
પ્રવાસી બેટ્સમેનોને પોતાના સ્પિનરો આજે જ પરચો બતાવી શકે એ માટે તેમને થોડોક સમય આપવા માટે કોહલીએ ટીમનો પહેલો દાવ 502 રને ડિકલેર કર્યો હતો.
સાઉથ આફ્રિકાએ દાવ શરૂ કર્યા બાદ 8મી ઓવરમાં એણે પહેલી વિકેટ ગુમાવી હતી. એડન માર્કરામ પાંચ રન કરીને આઉટ થયો હતો. અશ્વિને એને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 14 રન હતો. 31 રનના સ્કોર પર થુનિસ બ્રુઈન (4) આઉટ થયો હતો. કીપર સહાએ એનો કેચ પકડ્યો હતો. ડેન પીઈટ ખાતું ખોલાવે એ પહેલાં જ જાડેજાએ એને બોલ્ડ કર્યો હતો.
ACA-VDCAની પીચ ટર્ન લઈ રહી છે અને અશ્વિન-જાડેજાની જોડી આવતીકાલે કેવો પરચો બતાવશે એ તો સમય જ કહેશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3-મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે.