જડ્ડુનો ઝપાટો; સૌથી ઝડપે 200 ટેસ્ટ વિકેટ લેનાર દુનિયાનો ડાબોડી બોલર બન્યો

વિશાખાપટનમ – ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ અહીંના ACA-VDCA સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાતી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમત દરમિયાન 200મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. એ સાથે જ એણે મોટી સિદ્ધિ હાંસલ કરી. ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ સૌથી ઝડપે લેનારો દુનિયાનો ડાબોડી બોલર બન્યો છે.

એણે આ વિશ્વવિક્રમ 44મી મેચમાં નોંધાવ્યો છે. એણે શ્રીલંકાના સ્પિનર રંગના હેરાથનો વિક્રમ તોડ્યો છે. હેરાથે 47 ટેસ્ટ મેચોમાં આ વિક્રમ કર્યો હતો. હેરાથે બિશનસિંહ બેદીનો વિક્રમ તોડ્યો હતો. બેદીએ 200 વિકેટના આંકે પહોંચતા 51 ટેસ્ટ મેચ ખેલી હતી.

આમ, ભારતીય ક્રિકેટમાં જાડેજાએ મહાન બોલર બેદીને પાછળ રાખી દીધા છે.

ACA-VDCA સ્ટેડિયમ ખાતે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 3-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ રમાઈ રહી છે.

જાડેજાએ સાઉથ આફ્રિકાના ઓપનર ડીન એલ્ગરને આઉટ કરીને પોતાની કારકિર્દીની 200મી વિકેટ ઝડપી હતી. એલ્ગર 160 રન કરીને આઉટ થયો હતો. જાડેજા તેનો આ વિક્રમ આજની રમતના પહેલા સત્રમાં નોંધાવી શક્યો હોત, પણ ત્યારે એલ્ગરનો કેચ વિકેટકીપર રિદ્ધિમાન સહાએ પડતો મૂક્યો હતો. આખરે એલ્ગરનો કેચ સ્ક્વેર-લેગ બાઉન્ડરી લાઈન પર ચેતેશ્વર પૂજારાએ ઉત્કૃષ્ટ રીતે પકડીને જાડેજાને વિક્રમ નોંધાવવામાં મદદ કરી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પાડનાર અન્ય બોલરો છે – મિચેલ જોન્સન (ઓસ્ટ્રેલિયા, ફાસ્ટ બોલર, 49 ટેસ્ટમાં), મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા, ફાસ્ટ બોલર, 50 ટેસ્ટ), વસીમ અકરમ (પાકિસ્તાન, ફાસ્ટ બોલર, 51 ટેસ્ટ).

રાજકોટના 30 વર્ષીય બોલિંગ ઓલરાઉન્ડર જાડેજાએ 2012માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એની પહેલી ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે હતી.

જાડેજા 156 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યો છે જેમાં એણે 178 વિકેટો લીધી છે.

જાડેજા 44 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યો છે જેમાં એના નામે 33 વિકેટો છે.