પીઠની સારવાર માટે હાર્દિક પંડ્યા બ્રિટન જશે; સ્પેશિયાલિસ્ટને ત્રીજી વાર મળશે

વડોદરા – ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠના દુખાવાને કારણે પરેશાન છે. એની સારવાર માટે એ બ્રિટન જશે. એ માટે તે આવતીકાલે બુધવારે રવાના થશે.

બ્રિટનમાં હાર્દિક એ જ ડોક્ટરને ફરી એની તકલીફ બતાવશે જેની પાસે એણે અગાઉ 2018માં ભારતીય ટીમના ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે તેમજ 2019ની વર્લ્ડ કપ સ્પર્ધા વખતે સારવાર કરાવી હતી.

બ્રિટનના સ્પેશિયાલિસ્ટ પાસે હાર્દિક પંડ્યાની આ ત્રીજી મુલાકાત હશે.

હાલમાં જ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ ગયેલી ટ્વેન્ટી-20 સિરીઝ વખતે પંડ્યાની આ પીડા વકરી ગઈ હતી.

સમાચાર સંસ્થા આઈએએનએસ સાથેની વાતચીતમાં ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે પંડ્યા બ્રિટનના પીઠના દુખાવાના સ્પેશિયાલિસ્ટને ફરી મળશે. તેઓ ચર્ચા કરશે કે પંડ્યાએ સર્જરી કરાવવી કે પીઠની સમસ્યામાંથી એને સાજો કરવામાં મદદરૂપ થાય એવી દવાઓ લેવી.

ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું કે પંડ્યાએ વર્લ્ડ કપ બાદ એની ફિટનેસ પાછી મેળવવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની ટ્વેન્ટી-20 સિરીઝ વખતે એની પીડા વધી ગઈ હતી.

પંડ્યા અને બ્રિટિશ સ્પેશિયાલિસ્ટ છેલ્લા બે વર્ષથી એકબીજાના સંપર્કમાં રહે છે. પંડ્યા ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપમાં રમતો હતો ત્યારે પણ એ ડોક્ટરને મળવા ગયો હતો અને એની પીઠનું ચેકઅપ કરાવ્યું હતું.