નવી દિલ્હીઃ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ દિલ્હીના કોનોટ પ્લેસ સ્ટેશનમાં બે FIR નોંધવામાં આવી છે. તેમની સામે બે FIRમાં યૌન શોષણની માગ-છેડતીના કમસે કમ 10 કેસોની ફરિયાદ છે. આ ફરિયાદોમાં 10 એવા કેસોનો ઉલ્લેખ છે, જેમાં છેડતીની ફરિયાદ છે. ટોચના પહેલવાનોએ 23 એપ્રિલે WFIના પ્રમુખની ધરપકડ કરવાની માગને લઈને આંદોલન શરૂ કર્યું હતું.
તેમની સામે નોંધાયેલી FIR મુજબ ખોટી રીતે ટચ કરવું, બહાનાથી છાતીની ઉપર હાથ રાખવાના પ્રયાસ કરવા અથવા હાથ મૂકવા, છાતીથી પીઠ સુધી હાથને લઈ જવા અને પીછો કરવો સામેલ છે. દિલ્હી પોલીસે 28 એપ્રિલે બે FIR નોંધી હતી. તેમની વિરુદ્ધ 21 એપ્રિલે ફરિયાદ નોંધવામાં આવી હતી.
તેમની વિરુદ્ધ FIRમાં IPCની કલમ 354 (મહિલાની ઇજ્જતને ભંગ કરવાના ઇરાદાથી તેના પર હુમલો અથવા બળ પ્રયોગ કરવો) 354A (યૌન ઉત્પીડન), 354D (પીછો કરવો) અને 34 (સામાન્ય ઇરાદો)ના અંતર્ગત કેસ નોંધ્યો છે. પહેલી FIRમાં છ વયસ્ક પહેલવાનોના આરોપ સામેલ છે, જેમાં WFIના સચિવ વિનોદ તોમરનું પણ નામ છે. આમાં યૌન ઉત્પીડનની ફરિયાદોમાં જે ઘટનાઓની વાત છે, એ 2012થી 2022ની વચ્ચે થઈ હતી.
બીજી બાજુ પહેલવાનોના યૌન ઉત્પીડનના આરોપી બ્રિજભૂષણ શરણ સિંહે પાંચ જૂને અયોધ્યામાં થનારી રેલીને સ્થગિત કરી દીધી છે. સાંસદે ફેસબુક પર લખેલી પોસ્ટમાં આ માહિતી આપી હતી.