નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સમાં ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા તૂર્કી જશે અને ત્યાંના ગ્લોરિયા સ્પોર્ટ્સ અરીનામાં આ રમતની વધારે તાલીમ લેશે. આ તાલીમ કાર્યક્રમ 61 દિવસ ચાલશે.
25 વર્ષીય નીરજની તાલીમનો ખર્ચ ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ (TOPS) ઉઠાવશે. નીરજે ગયા વર્ષે પણ ગ્લોરિયા સ્પોર્ટ્સ અરીનામાં તાલીમ લીધી હતી. હવે તે આવતી 1 એપ્રિલે તૂર્કી જશે અને 31 મે સુધી ત્યાં રહેશે. TOPS એ કેન્દ્ર સરકારે શરૂ કરેલી એક વિશેષ યોજના છે જે અંતર્ગત દેશના ટોચના એથ્લીટ્સને ઉત્તમ દરજ્જાની તાલીમ આપવાની જોગવાઈ છે.
તૂર્કીમાં 61 દિવસ સુધી તાલીમ મેળવવા દેવાની નીરજની વિનંતીનો કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલય અને મિશન ઓલિમ્પિક સેલ (MOC) દ્વારા ગઈ 16 માર્ચે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ માટે નીરજ ઉપરાંત એના કોચ ક્લોસ બેર્ટોનિટ્સ અને ફિઝિયોથેરાપિસ્ટના વિમાનપ્રવાસ, તૂર્કીમાં રહેવા-જમવા, મેડિકલ ઈન્સ્યુરન્સ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ TOPS ભોગવશે.
નીરજે ગયા વર્ષની 7 ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવેલીન થ્રોના ફાઈનલ રાઉન્ડમાં 87.85 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સમાં ભારતે આ પહેલી જ વાર ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ, ગયા વર્ષે જ એણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 89.94 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંક્યો હતો. હવે એનું લક્ષ્ય 90 મીટર દૂર સુધી ભાલો ફેંકી બતાવવાનું છે.