આઈપીએલ-2023 સાથે શ્રીસંત કરશે કોમેન્ટેટર તરીકે ડેબ્યૂ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સત્તાવાર ટેલિવિઝન બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે કોમેન્ટેટરોની સિતારા-સભર પેનલની જાહેરાત કરી છે. આ પેનલમાં ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ બેટર કેવિન પીટરસન પણ જોડાશે. તે ઉપરાંત ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડરોમાંના એક ગણાતા જેક કેલિસ સ્ટાર સ્પોર્ટ્સની પેનલ પર ડેબ્યૂ કરશે.

કેલિસ અને પીટરસનની સાથે જોડાશે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટર્સ ડેવિડ હસી અને મેથ્યૂ હેડન. ટોમ મૂડી, ડેનિયલ વેટોરી અને સાઈમન કેટિચ ગેમ અંગે ઈન્સાઈડર્સ વ્યૂ રજૂ કરશે અને વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે.

દંતકથા સમાન ભારતીય ઓપનરો સુનીલ ગાવસકર અને વિરેન્દર સેહવાગ પણ એમની સ્ટાઈલમાં કોમેન્ટરી આપશે. જ્યારે ભૂતપૂર્વ મહિલા કેપ્ટન મિતાલી રાજ બ્રોડકાસ્ટ રેન્ક્સમાં વિવિધતા લાવશે. ઈરફાન પઠાણનો ભાઈ યુસુફ અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પણ આ પહેલી જ વાર સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટેટર તરીકે ચમકશે. શ્રીસંત એક્સપર્ટ્સની રેન્કમાં સામેલ થશે.