ટીમ ઇન્ડિયા 109 રનમાં ઓલઆઉટ, કુહેનમેનની પાંચ વિકેટ

ઇન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયા 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પહેલી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની બોલબાલા રહી છે. ભારતે લંચ સુધીમાં સાત વિકેટે 84 રન બનાવ્યા હતા. લંચ બાદ ભારત ત્રણ વિકેટો સસ્તામાં પડી ગઈ હતી. આ પહેલાં રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા હતા. કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલ અને મોહમ્મદ શમીને બદલે ઉમેશ યાદવને લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પણ ટીમમાં બે ફેરફાર કર્યા હતા. ડેવિડ વોર્નર અને પેટ કમિન્સની જગ્યાએ મિચેલ સ્ટાર્ક અને કેમરુન ગ્રીનનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

 ટીમ ઇન્ડિયાને ઇન્દોર ટેસ્ટમાં રોહિત શર્મા મોટા શોર્ટ ફટકારવાના ચક્કરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. ત્યાર બાદ સમયાંતરે ટીમ ઇન્ડિયાની વિકેટો પડી હતી. કોઈ પણ ભારતીય બેટ્સમેન પિચ પર વધુ સમય ટકી શક્યો નહોતો. ટીમ ઇન્ડિયાની વિકેટો 27,34, 36, 44, 45, 70, 82, 88, 108 અને 109ના સ્કોરે પડી હતી.ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી સફળ બોલર મેથ્યું કુહેનમેન રહ્યો હતો, જેણે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે નાથન લાયન ત્રણ અને ટોડ મર્ફીએ એક વિકેટ લીધી હતી.

ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્માએ 12, શુભમન ગિલે 21, કોહલીએ 22, શ્રીકર ભરતે 17 અને અક્ષર પટેલે 12 રન બનાવ્યા હતા.