હૈદરાબાદ T20Iમાં જીત સાથે ભારતનો 2-1થી શ્રેણીવિજય

હૈદરાબાદઃ રોહિત શર્મા અને તેના સાથીઓએ ઘરઆંગણે રોમાંચક દેખાવ દ્વારા આજે અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં  ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી હરાવી દીધું છે અને શ્રેણી 2-1થી જીતી લીધી છે. શર્માએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 186 રન કર્યા હતા. ભારતે તેના જવાબમાં 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 187 રન કરીને મેચ જીતી લીધી હતી. 46,000થી વધારે દર્શકોએ મેચનો, ભારતની જીતનો આનંદ માણ્યો હતો.

ભારતને છેલ્લા છ બોલમાં જીત માટે 11 રન કરવાની જરૂર હતી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ક્રીઝ પર હતા. ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સે ફેંકેલા પહેલા જ બોલમાં કોહલીએ સિક્સર ફટકારી હતી, પણ બીજા બોલમાં એ આઉટ થયો હતો. એણે 48 બોલમાં 63 રન કર્યા હતા. પાંચમા બોલે પંડ્યાએ વાઈડ યોર્કરને શોર્ટ થર્ડ મેન સ્થાને બાઉન્ડરી લાઈનની બહાર મોકલી દેતાં ભારત જીતી ગયું હતું.

એ પહેલાં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન કરીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. એણે ખૂબ મનોરંજક બેટિંગ કરીને પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ એના દાવમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના દાવમાં 23 વર્ષીય ઓપનર-ઓલરાઉન્ડર કેમરન ગ્રીને એક વધુ ઝળહળતો દેખાવ કરીને 21 બોલમાં 3 છગ્ગા, 7 ચોગ્ગા સાથે 52 રન ઝૂડી કાઢ્યા હતા. મધ્યમ હરોળમાં, ટીમ ડેવિડે 27 બોલમાં ચાર સિક્સર સાથે 54 રન કર્યા હતા.

સૂર્યકુમાર યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ એવોર્ડ આપવામાં આવ્યો.