ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આ મેચ 6 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાવા જઈ રહ્યો છે. મેચને લઈ ટિકિટોની વહેચણી પહેલા જ થઈ ચૂકી છે. જ્યારે બીજી મેચ માટેની ટિકિટો સ્ટોડિયમમાં વેચાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ મેચ 9 ફેબ્રુઆરીના કટકમાં યોજાયો છે. પરંતુ આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 10 લોકો બેભાન થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઓડિશાના મિલેનિયમ સિટી કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે 9 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ માટે ઓફલાઈન વેચાણ આજે સવારે 9:00 વાગ્યે શરૂ થયું હતું. ટિકિટને લેવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. લોકો ટિકિટ માટે કાઉન્ટર પર ચઢી ગયા હતા, જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. લોકોની ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો પણ સહારો લેવો પડ્યો હતો.
કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત vs ઈંગ્લેન્ડ વન ડે મેચ માટે ટિકિટોનું મીડિયા અહેવાલ પ્રમાણે મંગળવાર સાંજ સુધીમાં OCA કર્મચારીઓ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલી સંસ્થાઓને 9,000 ટિકિટ વેચી દેવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીના રોજ 4,000 ટિકિટો ઓનલાઈન વેચાઈ હતી, જ્યારે બાકીની 11,500થી વધુ ટિકિટો આજથી બે દિવસ માટે જાહેર જનતા માટે ઓફલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આજે જ્યારે કાઉન્ટર ખુલ્યા ત્યારે લોકો બેકાબૂ થઈ ગયા હતા. ટિકિટનું આ વેચાણ આજે અને આવતીકાલે સ્ટેડિયમ પરિસરમાં આવેલા કાઉન્ટર પર ચાલુ રહેશે. ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)એ મહિલાઓ માટે એક સ્પેશિયલ કાઉન્ટર બનાવ્યું છે. OCA ના નિર્ણય પ્રમાણે દરેક વ્યક્તિ માન્ય ઓળખપત્ર રજૂ કરીને વધુમાં વધુ બે ટિકિટ ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે બારાબાતી સ્ટેડિયમમાં 44,574 દર્શકોની ક્ષમતા છે. તેમાંથી 24,692 ટિકિટ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.