મુંબઈઃ IPL 2022ની સીઝનમાં SRH વતી રમી રહેલો જમ્મુ-કાશ્મીરનો ઉમરાન મલિક બહુ સટિક બોલિંગ કરી રહ્યો છે. તેની ટીમ SRHએ GT સામે બુધવારે મેચ રમી હતી, જેમાં મલિકે પહેલી વાર પાંચ વિકેટ મેળવી હતી. જેથી SRHના કેપ્ટન કેન વિલિયમન્સે મલિકની ભરપેટ પ્રશંસા કરી હતી. જોકે અત્યંત રસાકસી મેચમાં ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી હતી.
ગુજરાતની સામે મેચમાં ઉમરાન મલિકે પાંચ મહત્ત્વની વિકેટ લીધી હતી. એ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ઉમરાને આ સીઝનમાં આઠમી વાર સૌથી ઝડપી બોલ નાખવાનો એવોર્ડ પોતાને નામ કર્યો હતો. ઉમરાને ગુજરાતની સામે મેચમાં સીઝનનો બીજો સૌથી ઝડપી બોલ 153.3ની ઝડપે નાખ્યો હતો. તેણે 153.3ની ઝડપે યોર્કર નાખતા ઋદ્ધિમાન સાહાને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે તે IPL સીઝનમાં સૌથી ઝડપી બોલ નાખનાર બોલર બની ગયો હતો.
તેણે ઘણી સારી બોલિંગ કરી હતી. આ ઉપરાંત શશાંક સિંહે પણ સરસ બેટિંગ કરી હતી. શશાંકે છ બોલમાં 25 રન બનાવ્યા હતા. આ મેચની 40 ઓવર ખૂબ રોમાંચક રહી હતી. આ મેચમાં અમે ઘણું શીખ્યા હતા. SRHની ટીમે પહેલાં બેટિંગ કરતાં છ વિકેટે 195 રન બનાવ્યા હતા, પણ ગુજરાતે પણ એકદમ સરસ પર્ફોર્મન્સ આપ્યું હતું. અમે આ મેચમાં ભલે હારી ગયા, પણ આ મેચને અમે ઘણી હકારાત્મક રીતે લઈશું, એમ કેન વિલિયમસને મેચ પછીના સમારંભમાં કહ્યું હતું.