મુંબઈ – ભારતના બેટ્સમેનોએ ગઈ કાલે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ચોગ્ગા-છગ્ગાઓનો વરસાદ વરસાવી, વેસ્ટ ઈન્ડિઝને 67-રનથી હરાવીને મેચ તથા સિરીઝ 2-1થી જીતી લીધી.
ભારતની આ જીત 3 સ્ટાર બેટ્સમેનોએ ફટકારેલી હાફ સેન્ચુરીઓને આભારી છે. આ બેટ્સમેનો છે લોકેશ રાહુલ, કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા.
રાહુલે 91 રન, કોહલીએ અણનમ 70 અને શર્માએ 71 રન ફટકાર્યા હતા. આ ત્રણ બેટ્સમેનોએ કરેલા રનના ઢગલાને કારણે ભારતે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 240 રન કર્યા હતા. એના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી.
રાહુલે 56 બોલમાં, કોહલીએ 29 બોલમાં અને રોહિત શર્માએ 34 બોલમાં પોતાના રન ફટકાર્યા હતા. આ ત્રણેય બેટ્સમેનોએ મળીને કુલ 16 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાર્યા હતા.
રાહુલને મેન ઓફ ધ મેચ અને કોહલીને મેન ઓફ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો.
કોહલીએ સિરીઝમાં બે હાફ સેન્ચુરી સહિત કુલ 183 રન કર્યા હતા.
કોહલીએ કહ્યું કે, પોતે આજની ઈનિંગ્ઝને સ્પેશિયલ ગણે છે અને આ દાવને તે એની પત્ની અનુષ્કા શર્માને એમની દ્વિતીય મેરેજ એનિવર્સિરી નિમિત્તે સ્પેશિયલ ગિફ્ટ તરીકે આપે છે.
‘આજની રાત વિશેષ હતી અને હું મારી બેસ્ટ ઈનિંગ્ઝમાંની એક રમ્યો હતો,’ એમ કોહલીએ મેચ બાદ કહ્યું હતું.
એણે વધુમાં કહ્યું કે, પહેલા બેટિંગ કરીને અમે જીત્યા એથી બમણી ખુશી થઈ છે. મને ગર્વ છે કે હું ત્રણેય ફોર્મેટમાં મારું યોગદાન આપી શકું છું. બધું તમારા મનની શક્તિ પર નિર્ભર હોય છે. ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ નજીક આવી રહી છે ત્યારે આ જીત અમારો જુસ્સો વધારશે. રાહુલ અને રોહિત આ મેચમાં જે રીતે રમ્યા એને હું ચાવીરૂપ પરફોર્મન્સ ગણું છું.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે કહ્યું કે અમારી ટીમ આ મેચના પરિણામને સકારત્મક રીતે જોશે. અમારો ધબડકો થઈ ગયો. હવે અમારે એ વિશે વિચારવું પડશે. અમે આ જ મેદાન પર 2016માં મોટો સ્કોર ચેઝ કર્યો હતો. આજે રાહુલ અને રોહિતને જે રીતે સ્ટાર્ટ કરતા જોયા ત્યારથી જ અમે નિરાશ થઈ ગયા હતા.
બુધવારની મેચમાં ભારતે વિકેટકીપર રિષભ પંતને પણ ગુમાવ્યો હતો, જે બે બોલ રમ્યો હતો અને કોઈ રન બનાવી શક્યો નહોતો.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ વતી કેપ્ટન પોલાર્ડ 68 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. એણે 39 બોલમાં પાંચ ચોગ્ગા, છ છગ્ગા સાથે આક્રમક બેટિંગ કરીને એની ટીમને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પણ મિડલ કે પાછલા ઓર્ડરમાં એને કોઈનો સાથ મળ્યો નહોતો. ઓપનિંગ જોડીમાં, લેન્ડલ સિમોન્સ (7) અને બ્રેન્ડન કિંગ (5) વહેલા આઉટ થઈ જતાં વેસ્ટ ઈન્ડિઝનો પડકાર શરૂઆતથી જ નબળો પડી ગયો હતો.
ભારતના ત્રણ ફાસ્ટ બોલર – દીપક ચાહર, ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી તથા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.