દીપિકાએ એના ફેવરિટ ક્રિકેટરનું નામ આપ્યું – રાહુલ દ્રવિડ

દીપિકા પદુકોણ બોલીવૂડની ટોચની અભિનેત્રી છે અને બેડમિન્ટન એની પ્રિય રમત છે. એનાં પિતા પ્રકાશ પદુકોણ એક સમયે ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી હતા. દીપિકાને જોકે ક્રિકેટની રમત પણ ગમે છે અને આ રમતમાં એનો ફેવરિટ ખેલાડી કોણ એ જાણવાની લોકોને ઘણા વખતથી ઉત્સૂક્તા હતી. આખરે આજે દીપિકાએ એનાં ફેવરિટ ક્રિકેટનું નામ જાહેર કર્યું છે.

એનો ફેવરિટ ક્રિકેટર છે, રાહુલ દ્રવિડ.

દીપિકા કહે છે, દ્રવિડે એમની કારકિર્દીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે માત્ર એટલા માટે તે એનાં ફેવરિટ નથી, પરંતુ એક વ્યક્તિ તરીકે પણ એ તેમનાથી પ્રભાવિત થઈ છે.

સ્ટાર સ્પોર્ટ્સના નેરોલેક ક્રિકેટ લાઈવ કાર્યક્રમમાં દીપિકા ઉપસ્થિત થઈ હતી ત્યારે એણે કહ્યું હતું કે મારા ઓલ-ટાઈમ ફેવરિટ ક્રિકેટર રાહુલ દ્રવિડ છે. રમતગમતોનાં ક્ષેત્રમાં એવાં ઘણાં ખેલાડીઓ છે જેઓ માત્ર એમની સિદ્ધિઓને કારણે મારાં પ્રેરણામૂર્તિઓ નથી બન્યાં પરંતુ એમનાં માનવીય લક્ષણોથી હું પ્રભાવિત થઈ છું, એમની પ્રશંસા કરું છું. રાહુલ દ્રવિડ મારાં ફેવરિટ છે અને એ મારાં જ બેંગલોર શહેરનાં રહેવાસી પણ છે.

દીપિકાએ એમ પણ કહ્યું કે લોકો એમની શારીરિક તાકાતની સાથોસાથ માનસિક ક્ષમતાને વધારવા ઉપર પણ સરખું ધ્યાન આપવું જોઈએ. આપણને ઘણી વાર લાગતું હોય છે કે આપણું શરીર આપણા મન સાથે તાલમેલ જાળવી શકતું નથી. કોઈ યુવા એથ્લીટે એની બોડીને મજબૂત કરવાની સાથોસાથ એના મનોબળને દ્રઢ બનાવવા ઉપર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ.

દીપિકાએ કહ્યું કે હું અને મારો પતિ રણવીર સિંહ સાથે બેસીને ઘણી વાર મેચો જોતા હોઈએ છીએ. એ ફૂટબોલનો મોટો પ્રેમી છે એ તો બધાયને ખબર જ છે, પણ એ ક્રિકેટનો પણ મોટો ચાહક છે. અમે દરેક મેચ જોતા નથી, પરંતુ મહત્ત્વની મેચો જોઈએ છીએ. દેશમાં જેમ બધા લોકો મેચ જોવા માટે સમય કાઢતા હોય છે એ જ રીતે અમે પણ સમય કાઢી લઈએ છીએ. ક્યારેક એકબીજા સાથે બેસીને તો ક્યારેક પરિવારજનો સાથે કે મિત્રો સાથે.

દીપિકા અને રણવીર દિગ્દર્શક કબીર ખાનની નવી ફિલ્મ ’83માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 1983માં ભારતે મેળવેલા પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ વિજત પર આધારિત છે. રણવીર સિંહ એમાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો રોલ કરી રહ્યો છે જ્યારે દીપિકા બની છે કપિલ દેવનાં પત્ની રોમી દેવ.

’83 ફિલ્મ 2020ની 10 એપ્રિલે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]