મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું અધ્યક્ષ પદ સંભાળનાર સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે મુલાકાત કરી અને ભારતીય ક્રિકેટ ટીમની આગામી યોજનાઓ પર ચર્ચા કરી. એવુ પણ જાણવા મળ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીના આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ભવિષ્ય પર પણ બેઠક દરમ્યાન ચર્ચા કરવામાં આવી જોકે, આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. કોચ રવિ શાસ્ત્રીએ બેઠકમાં ભાગ નહતો લીધો. એ નક્કી છે કે, ગાંગુલી આગામી મહિને ઈડન ગાર્ડન પર બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ દરમ્યાન શાસ્ત્રી સાથે વાત કરશે.
બીસીસીઆઈના સુત્રોએ કહ્યું કે, અધ્યક્ષ અને સચિવ કેપ્ટન કોહલી અને વાઈસ કેપ્ટનને મળવા ઈચ્છતા હતા. ટીમની યોજનાઓને અંગે ચર્ચા કરવામાં આવી. અધ્યક્ષે કેટલાક ચૂચનો આપ્યા. બીસીસીઆઈ એ બેઠકની તસવીર તેમના ટ્વીટર પર શેર કરી છે.
તસવીરના કેપ્સનમાં લખ્યું છે કે, સીનિયર પસંદગીસમિતિની બપોર પછીની બેઠકમાં તમામના ચહેરાઓ પર મુસ્કાન ખીલી. બેઠકમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી 20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી. રોહિત બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ ટી 20 મેચોમાં ટીમની આગેવાની કરશે એટલા માટે તે બેઠકમાં સામેલ થયો, રેગ્યુલર કેપ્ટન કોહલીને આ મેચોમાં આરામ આપવામાં આવ્યો છે. કોહલી બે ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.