બાંગલાદેશ સામેની T20I સિરીઝમાં કોહલીને આરામ, રોહિત કેપ્ટન

મુંબઈ – બાંગ્લાદેશ સામે ઘરઆંગણે નવેંબરમાં રમાનાર 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે આજે ટીમની પસંદગી કરતી વખતે રાષ્ટ્રીય પસંદગીકારોએ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યો છે. એની જગ્યાએ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે રોહિત શર્મા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી T20I ત્રીજી નવેંબરે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં, બીજી મેચ 7 નવેંબરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ 10 નવેંબરે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

આ સિરીઝ માટેની ટીમ આ મુજબ છેઃ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ એહમદ, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર.

કેરળના બેટ્સમેન સંજુ સેમસને હાલમાં જ વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં અણનમ 212 રન ફટકાર્યા હતા એટલે એને ટીમમાં સામેલ કરાયો છે. મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને લંડનમાં પીઠની સર્જરી કરાવવા ગયેલા હાર્દિક પંડ્યાની જગ્યાએ લેવામાં આવ્યો છે.

24 વર્ષના સેમસને ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પુનરાગમન કર્યું છે. એ 2015માં ઝિમ્બાબ્વે સામે તેની પહેલી ટ્વેન્ટી-20 મેચ રમ્યો હતો. એને 2014માં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરાયો હતો, પણ એને એકેય મેચમાં રમાડવામાં આવ્યો નહોતો.

26 વર્ષનો દુબે હાર્ડ-હિટીંગ કરતો લોઅર ઓર્ડરનો બેટ્સમેન છે. વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટક સામેની મેચમાં એણે 67 બોલમાં 118 રન કર્યા હતા.

એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ એમ.એસ. ધોનીને પસંદ કર્યો નથી. આમ, તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભાવિ વિશે પ્રશ્નાર્થ હજી ઊભો રહ્યો છે.

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ

બાંગ્લાદેશ સામેની T20I પૂરી થયા બાદ એની સામે ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ રમશે. એ માટેની ટીમને પસંદગીકારોએ યથાવત્ રાખી છે. તેમણે એ જ ટીમને રાખી છે જેણે હાલમાં દક્ષિણ આફ્રિકા સામે જીત હાંસલ કરી હતી. માત્ર એક જ ફેરફાર ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમનો છે, જે કુલદીપ યાદવની જગ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ માટે પસંદ કરાયો હતો. યાદવ ફરી ટીમમાં સામેલ થશે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 14-18 નવેંબરે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી અને આખરી ટેસ્ટ મેચ 22-26 નવેંબરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ટેસ્ટ મેચો માટેની ટીમ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત.