આખરે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવા પર સિરાજનું દુઃખ છલકાયું!

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ટીમમાંથી બહાર થયેલા મોહમ્મદ સિરાજને ન તો ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની વનડે-T20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો, ન તો ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં તેને સ્થાન મળ્યું. આ અંગે હવે સિરાજે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે, “ટીમમાંથી બહાર થવાની વાત મારા માટે સ્વીકારવી મુશ્કેલ હતી.” જોકે, સિરાજે IPL 2025 દ્વારા ક્રિકેટમાં શાનદાર પુનરાગમન કર્યું છે અને ચાર મેચમાં નવ વિકેટ ઝડપીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.

“હું એ વાત પચાવી ન શક્યો”
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બાકાત રહેવા અંગે વાત કરતાં સિરાજે કહ્યું, “શરૂઆતમાં મારા માટે આ હકીકત સ્વીકારવી અઘરી હતી, પરંતુ મેં મારો હોંસલો ન ગુમાવ્યો. મેં મારી ફિટનેસ અને રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં મારી જાતને સમજાવ્યું કે હજી ઘણું કરવાનું બાકી છે. મેં મારી ભૂલો સુધારી અને હવે હું બોલિંગની મજા લઈ રહ્યો છું. એક વ્યાવસાયિક ખેલાડી તરીકે, જ્યારે તમે સતત ભારતીય ટીમનો હિસ્સો હો અને અચાનક બહાર થઈ જાઓ, ત્યારે મનમાં શંકાઓ ઉભી થાય છે. પરંતુ મેં સકારાત્મક રહીને IPLની તૈયારી કરી.”

સનરાઈઝર્સ સામે શાનદાર પ્રદર્શન
સિરાજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં માત્ર 17 રનમાં ચાર વિકેટ ઝડપીને T20 ક્રિકેટમાં પોતાની શ્રેષ્ઠતા દર્શાવી. આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમાઈ હતી. તેણે કહ્યું, “જ્યારે તમે તમારા ઘરના મેદાન પર રમો છો, ત્યારે અલગ જ ઉત્સાહ હોય છે. મારો પરિવાર પણ સ્ટેડિયમમાં હાજર હતો, જેનાથી મને વધારે પ્રોત્સાહન મળ્યું.”

IPL 2025માં સિરાજનું પ્રભુત્વ
IPL 2025માં સિરાજે અત્યાર સુધી ચાર મેચમાં નવ વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં સંયુક્ત રીતે બીજું સ્થાન મેળવ્યું છે. તેનો ઈકોનોમી રેટ 7.75 અને એવરેજ 13.77 રહ્યો છે. આ પ્રદર્શન અંગે તેણે કહ્યું, “જ્યારે બોલ તમારી ઈચ્છા મુજબ કામ કરે છે, ત્યારે તમે ટોચ પર હોવ છો. આવી ક્ષણોમાં બોલિંગનો અલગ જ આનંદ મળે છે. હું હવે મારી રમતને સંપૂર્ણપણે માણી રહ્યો છું.”