ભારતની પી.વી. સિંધુએ આજે ગ્વાંગ્ઝૂ (ચીન) વર્લ્ડ ટૂર ફાઈનલ્સ-2018 બેડમિન્ટન સ્પર્ધા જીતી હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે પહેલી જ ભારતીય બની છે. આ સાથે જ વર્ષની બેડમિન્ટન મોસમનો સિંધુ માટે આનંદ સાથે અંત આવ્યો છે.
સિંધુએ આજે રમાયેલી ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને 21-19, 21-17થી હરાવી હતી.
સિંધુ આ વર્ષમાં એકેય ટાઈટલ જીતી શકી નહોતી તેથી તે પોતે તથા એનાં ચાહકો નિરાશ હતા, પણ આજની જીત સાથે એણે તે અવરોધ દૂર કર્યો છે. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ તથા એશિયન ગેમ્સમાં પણ સેમી ફાઈનલમાં પહોંચી હતી, પણ ફાઈનલ જીતી શકી નહોતી.
સિંધુ 2016ની રિયો ઓલિમ્પિક્સ, 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2017ની વર્લ્ડ સુપરસીરિઝ ફાઈનલ્સ સ્પર્ધામાં પણ રનર-અપ રહી હતી.
ગયા વર્ષે ગ્લાસગોમાં રમાઈ ગયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સિંધુ ઓકુહારા સામે હારી હતી. આમ, તેણે આજે એ પરાજયનો બદલો લઈ લીધો છે.
સિંધુએ આજની મેચમાં શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી અને ઓકુહારા પર વર્ચસ્વ જમાવ્યે રાખ્યું હતું.
મેચ બાદ સિંધુએ કહ્યું કે, મને મારી જીત માટે ગર્વ છે. વર્ષનો અંત સુખદ રીતે આવ્યો છે. લોકો મને સતત સવાલ પૂછતાં રહેતા હતા કે તું દર વખતે ફાઈનલમાં કેમ હારી જાય છે? મને એ વાતની ખુશી છે કે હવે કોઈ મને એ સવાલ ફરી નહીં પૂછે. હવે હું કહી શકીશ કે મેં ગોલ્ડ જીત્યો છે અને મને એ માટે ગર્વ છે. લોકો મને સવાલ પૂછતા હતા એ સારું જ હતું, કારણ કે એટલે હું સ્વયંને પૂછતી હતી કે હું શા માટે ફાઈનલમાં હારી જાઉં છું. આખરે મને જવાબ મળી ગયો.