પર્થ ટેસ્ટઃ વિરાટ કોહલીએ ફટકારી કારકિર્દીની 25મી સદી

પર્થ – અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સેન્ચુરી ફટકારીને ભારતને વધારે સુરક્ષિત સ્થિતિમાં મૂકી દીધું હતું. જોકે દિવસને અંતે ઓસ્ટ્રેલિયા ભારત પર કુલ 175 રનની લીડ સાથે નિશ્ચિંત સ્થિતિમાં હતું.

કોહલીએ પોતાની કારકિર્દીની આજે 25મી સદી ફટકારી હતી. એણે 214 બોલમાં 11 ચોગ્ગાની મદદથી પોતાના 100 રન પૂરા કર્યા હતા. એ વખતે ભારતનો પહેલા દાવનો સ્કોર 4 વિકેટે 207 રન હતો. હનુમા વિહારી 16 રન સાથે કોહલી સાથે દાવમાં હતો.

ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 326 રન કર્યા હતા.

કોહલી બાદમાં વ્યક્તિગત 123 રનના સ્કોર પર આઉટ થયો હતો. ભારતનો પહેલો દાવ 283 રનમાં પૂરો થયો હતો.

 

પહેલા દાવમાં 326 રન કરનાર ઓસ્ટ્રેલિયાએ ભારત પર 43 રનની લીડ હાંસલ કરી હતી.

દિવસને અંતે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 4 વિકેટના ભોગે 134 રન કર્યા હતા. ભારત પર તેની કુલ લીડ 175 રનની થઈ છે.

ઉસ્માન ખ્વાજા 41 રન અને કેપ્ટન ટીમ પેઈન 8 રન સાથે દાવમાં હતો.

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 23 રન આપીને શૌન માર્શ (5) અને ટ્રેવિસ હેડ (19)ની વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહે માર્કસ હેરીસ (20)ને ક્લીન બોલ્ડ કર્યો હતો જ્યારે ઈશાંત શર્માએ પીટર હેન્ડ્સકોમ્બ (13)ને લેગબીફોર આઉટ કર્યો હતો. આરોન ફિન્ચ (25) રિટાયર હર્ટ થયો છે. એની ઈજા ગંભીર પ્રકારની ન હોવાનું કહેવાય છે.

અગાઉ સવારે, ભારતે 3 વિકેટે 172 રનના તેના શનિવારના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો, પણ અજિંક્ય રહાણે તેના ગઈ કાલના 51 રનના વ્યક્તિગત સ્કોરમાં એકેય રન ઉમેર્યા વગર આઉટ થયો હતો. સ્પિનર નેથન લિયોનની બોલિંગમાં એને કીપર અને કેપ્ટન ટીમ પેઈને કેચઆઉટ કર્યો હતો. કોહલી અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 91 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી. રહાણેના 105 બોલના દાવમાં 6 ચોગ્ગા અને એક છગ્ગો છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે આ સાતમી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીની આ 6ઠ્ઠી સદી છે. કેપ્ટન બન્યા પછી કોહલીની આ સદી છે 18મી.

ચાર-મેચોની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીકર્તા ભારતીય બેટ્સેમનોઃ

11 – સચીન તેંડુલકર

8 – સુનીલ ગાવસકર

7 – વિરાટ કોહલી

6 – વી.વી.એસ. લક્ષ્મણ

4 – ગુંડપ્પા વિશ્વનાથ/મુરલી વિજય