લંડન – અખબારી અહેવાલો અનુસાર, ભારતનો ઓપનર શિખર ધવન ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટ રમી નહીં શકે, કારણ કે ગયા રવિવારે આઈસીસી વર્લ્ડ કપ-2019માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બેટિંગ કરતી વખતે એને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. અંગૂઠામાં એને મામુલી ફ્રેક્ચર થયું છે, પણ એની ઈજા ‘બહુ ખરાબ’ પ્રકારની છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી ધવનની ઈજા વિશે સત્તાવાર જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે.
અંગૂઠાની ઈજા માટે આજે સવારે ધવનનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
ડાબોડી બેટ્સમેન ધવનનો અંગૂઠો સોજી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ વખતે ફાસ્ટ બોલર પેટ કમિન્સે ફેંકેલો બોલ ધવનના હાથ પર, અંગૂઠા પર વાગ્યો હતો. ઘવનને દુખાવો થતો રહ્યો હતો તે છતાં એ આખો દાવ રમતો રહ્યો હતો અને આખરે 109 બોલમાં 117 રન કરીને આઉટ થયો હતો. ધવન બાદમાં ઓસ્ટ્રેલિયાના દાવ વખતે ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યો નહોતો.
આજે સવારે કરાયેલા સ્કેનમાં માલુમ પડ્યું હતું કે ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે અને ટીમના ફિઝિયોથેરપિસ્ટે નિર્ણય લીધો છે કે ધવન 3 અઠવાડિયા સુધી ક્રિકેટ નહીં રમી શકે.
ધવનની જગ્યાએ કયા ખેલાડીને રમાડવામાં આવશે તે વિશે અટકળોએ જોર પકડ્યું છે. 3 નામ ચર્ચામાં છે – રિષભ પંત, અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર.
વર્લ્ડ કપમાં ભારતની હવે પછીની મેચ ન્યૂઝીલેન્ડ સામે છે, જે 13 જૂન, ગુરુવારે નોટિંઘમમાં રમાવાની છે. ભારત તેની બંને મેચ જીતી ચૂક્યું છે. પહેલાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું અને પછી ઓસ્ટ્રેલિયાને.