વરસાદે વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્લ્ડ કપ મેચ ધોઈ નાખતા દક્ષિણ આફ્રિકાને પહેલો પોઈન્ટ મળ્યો

0
637

સાઉધમ્પ્ટન – અહીંના રોઝ બોલ ખાતે વરસાદને કારણે આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ કોઈ પણ પરિણામ વિના ધોવાઈ ગઈ છે. બંને ટીમને 1-1 પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યો છે. સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાને આ પહેલો પોઈન્ટ મળ્યો છે. સ્પર્ધામાં આ ટીમ તેની ત્રણ મેચ હારી ચૂકી છે.

વરસાદ પડવાનું શરૂ થયું ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 7.3 ઓવરમાં 2 વિકેટે 29 રન હતો.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીત્યો હતો અને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.

હેમ્પશાયર બોલમાં વરસાદ થોડી થોડી વાર અટકીને ચાલુ રહેતાં મેચ ફરી રમાડી શકાઈ નહોતી.

દક્ષિણ આફ્રિકાની ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. એ ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ભારત સામેની મેચ હારી ચૂકી છે.

બીજી બાજુ, વેસ્ટ ઈન્ડિઝ પાકિસ્તાન સામે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. એની પાસે હવે 3 મેચમાં 3 પોઈન્ટ થયા છે.

આજે મેચ શરૂ થઈ ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ હાશીમ અમલા (6) અને એઈડન મારક્રામ (5)ની વિકેટ ગુમાવી હતી.

ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલે બંને વિકેટ ઝડપી હતી.

વિકેટકીપર ઓપનર ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન ફાફ ડુ પ્લેસી અનુક્રમે 17 અને ખાતું ખોલાવ્યા વગર દાવમાં હતો.