સુરત – ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેદાન પર રમતો હોય કે મેદાનની બહાર હોય, એ અવારનવાર સમાચારમાં રહેતો હોય છે.
યૂઝર્સ પણ સોશિયલ મિડિયા પર હાર્દિક પંડ્યાની પોસ્ટની રાહ જોતા રહેતા હોય છે.
ગઈ કાલે એણે એક પોસ્ટ મૂકી અને એના પ્રશંસક યૂઝર્સને મજા પડી ગઈ. બન્યું એવું કે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર શિખર ધવન હાલ ઈજાગ્રસ્ત થયો છે અને એને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. એ દિલ્હી ટીમ વતી સુરતમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધામાં રમવા આવ્યો છે, પણ ગુરુવારે એને મેદાન પર રમતી વખતે ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. એની ઈજા વધારે હતી એટલે એને એક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.
ત્યાં ડોક્ટરોએ એના ઘૂંટણ પર સર્જરી કરી હતી.
સર્જરી થઈ ગયા બાદ ધવને એકદમ આનંદિત મૂડ સાથે હોસ્પિટલના સ્ટાફ સાથે તસવીરો પડાવી હતી અને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી. તસવીરો તરત જ વાયરલ થઈ હતી.
આ તસવીરો સાથેની કેપ્શનમાં એણે લખ્યું હતું કે, આપણે પડીએ છીએ, ભાંગી પડીએ છીએ, પરંતુ ફરી ઊભાં થઈ જઈએ છીએ. ઘા રુઝાઈ જાય છે અને આપણે પુનરાગમન કરીએ છીએ. પરંતુ આ દરમિયાન માત્ર એક જ બાબત એવી હોય છે જેની પર આપણું પોતાનું નિયંત્રણ રહે છે. એ છે આ પ્રકારની સ્થિતિમાં આપણે કઈ રીતે આપણા પ્રત્યાઘાત વ્યક્ત કરીએ છીએ. જો તમે દરેક સ્થિતિમાં ખુશ અને સકારાત્મક રહેશો તો અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ આસાનીથી બહાર નીકળી શકશો. હું 4-5 દિવસમાં સાજો થઈને મેદાન પર કમબેક કરીશ.
ધવને આ ફોટો પોસ્ટ કર્યો એની પાંચ જ મિનિટમાં હાર્દિક પંડ્યાએ રિટ્વીટ કર્યું હતું અને જવાબ આપ્યો હતો કે હું તો નિરુત્તર થઈ ગયો છું. ‘હા હા, જટ્ટ તો આખી હોસ્પિટલને સાજી કરી રહ્યો હતો.’
શિખર ધવને જે તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી એમાં તેની સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ દેખાય છે.
ધવન છેલ્લા કેટલાક વખતથી બેટિંગમાં નિષ્ફળ રહ્યો છે. બાંગ્લાદેશ સામે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં એ રમ્યો હતો, પણ માત્ર એકેય હાફ સેન્ચુરી કરી નહોતી. એણે 41, 31, 19 રન કર્યા હતા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની અમુક મેચોમાં પણ એનો બેટિંગ દેખાવ કંગાળ રહ્યો છે.