નાગપુર – ભારતના બોલરોએ આજે શ્રીલંકાને તેના બીજા દાવમાં માત્ર 166 રનમાં તંબૂ ભેગું કરી દઈને અહીંના વીસીએ મેદાન ખાતેની બીજી ટેસ્ટ મેચ આજે ચોથા દિવસે લંચ બાદના સત્રમાં એક દાવ અને 239 રનથી જીતી લીધી છે.
આ જીત સાથે ભારત ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ થયું છે. ત્રીજી ટેસ્ટ મેચ બીજી ડિસેમ્બરથી દિલ્હીમાં રમાશે. કોલકાતામાં પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.
શ્રીલંકા ઉપર પહેલા દાવનું 405 રનનું દેવું હતું. એણે ગઈ કાલે ત્રીજા દિવસની રમતને અંતે 1 વિકેટે 21 રનના સ્કોર અને 384 રનના બોજા સાથે આજે રમવાનું આગળ વધાર્યું હતું, પણ ભારતના બોલરોની જુસ્સાપૂર્વકની બોલિંગ સામે હરીફ ટીમની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. એકમાત્ર કેપ્ટન દિનેશ ચાંડીમલ (61) જ બોલરોને કંઈક લડત આપી શક્યો હતો. તેણે અને સુરંગા લકમલે (31) આઠમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી અને તેને કારણે જ ભારતની જીત થોડીક લંબાઈ હતી.
ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 63 રનમાં 4 વિકેટ સાથે ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો. તો ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 28 રનમાં બે વિકેટ, ફાસ્ટ બોલરો ઉમેશ યાદવ (2/30) અને ઈશાંત શર્મા પણ (2/43) વિકેટો લેવામાં સફળ થયા હતા.
આજની ચાર વિકેટ સાથે અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ સૌથી ઝડપે લેનારો બોલર બન્યો છે. એણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિસ લિલીનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને 54 ટેસ્ટમાં 300 વિકેટ ઝડપી છે જ્યારે લિલીએ 300 વિકેટ લેવા માટે 56 ટેસ્ટ લીધી હતી.
શ્રીલંકાએ પહેલા દાવમાં 205 રન કર્યા બાદ ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર ડબલ સેન્ચુરી (213) તેમજ મુરલી વિજયના 128, ચેતેશ્વર પૂજારાના 143 અને રોહિત શર્માના અણનમ 102 રનની મદદથી 6 વિકેટે 610 રન કર્યા હતા અને 405 રનની તોતિંગ સરસાઈ મેળવી હતી.
રવિવારે ત્રીજા દિવસની રમતને અંતે શ્રીલંકાએ સદીરા સમરવિક્રમા (0)ની વિકેટ ગુમાવીને 21 રન કર્યા હતા.
વિરાટ કોહલીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો છે.