ક્રિકેટરોના પગાર વધારા મામલે કોહલી વડા વહીવટદાર સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી – ભારતના ક્રિકેટરોનો પગાર વધારવો જોઈએ એવો પ્રસ્તાવ છે. એ વિશે ચર્ચા કરવા માટે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તથા અન્ય સંબંધિત વ્યક્તિઓ આવતીકાલે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) વિનોદ રાયને મળશે.

આ મીટિંગ નવી દિલ્હીમાં તાજ માનસિંહ હોટેલમાં યોજાય એવી ધારણા છે.

એવું મનાય છે કે કોહલીની સાથે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ ચર્ચામાં જોડાશે.

કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત વ્યસ્ત શેડ્યૂલનો મામલો ઉઠાવ્યો હતો અને તે વિશે પણ ગુરુવારની બેઠકમાં ચર્ચા થવાની ધારણા છે.

અગાઉ, રાયે એ વાતને સમર્થન આપ્યું હતું કે પોતે ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ વચ્ચે ક્યારેક કોહલીને મળશે.

અગાઉ, ભૂતપૂર્વ હેડ કોચ અનિલ કુંબલેએ પણ રાષ્ટ્રીય સ્તરે કોન્ટ્રાક્ટ પર રહેતા ખેલાડીઓ તથા કોચિંગ સ્ટાફના માણસોનો પગાર વધારવા વિશે ટીમની વતી હૈદરાબાદમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને રજૂઆત કરી હતી.

સુધારિત પગાર માળખા વિશે કુંબલેએ બીસીસીઆઈના હોદ્દેદારો સમક્ષ એક પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.ત

બીસીસીઆઈ હાલ ગ્રેડ-A ખેલાડીઓને રૂ. બબ્બે કરોડ ચૂકવે છે અને ગ્રેડ-B ખેલાડીઓને રૂ. એક-એક કરોડ તથા ગ્રેડ-C ખેલાડીઓને રૂ. 50-50 લાખ ચૂકવે છે.

ટોચના ખેલાડીઓના વાર્ષિક બેઝિક કોન્ટ્રાક્ટની રકમ આ વર્ષે વધીને 3 લાખ ડોલર કરવામાં આવી છે, પણ 2018 તથા 2023 વચ્ચે રમાનાર આઈપીએલ સ્પર્ધાના સંબંધમાં ક્રિકેટ બોર્ડની આવકમાં થનારા વધારાને ધ્યાનમાં લઈને ખેલાડીઓએ એમનો પગાર વધારવાની માગણી કરી છે.