વિદર્ભ ટીમે સતત બીજા વર્ષે રણજી ટ્રોફી ખિતાબ જીત્યો; સૌરાષ્ટ્ર સતત ત્રીજી વાર ફાઈનલમાં હાર્યું

નાગપુર – ડાબોડી સ્પિનર આદિત્ય સરવટેના કાંડાની કરામતને આધારે વિદર્ભ ટીમે અહીં ફાઈનલ મેચમાં આજે સૌરાષ્ટ્રને 78-રનથી હરાવીને રણજી ટ્રોફી ટાઈટલ પોતાની પાસે જાળવી રાખ્યું છે. એ ગયા વર્ષે આ સ્પર્ધામાં પહેલી જ વાર વિજેતા બન્યું હતું. આજના પરાજય સાથે સૌરાષ્ટ્ર ટીમ આ ત્રીજી વાર વિજેતા બનવામાં નિષ્ફળ રહી છે. એ 2012-13 અને 2015-16 એમ બંને વખત મુંબઈ ટીમ સામે ફાઈનલમાં હારી ગઈ હતી.

સૌરાષ્ટ્રને મેચ જીતવા માટે 206 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ ટીમ બીજા દાવમાં માત્ર 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

સરવટેએ 24 ઓવરમાં 6 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં એણે 98 રનમાં પાંચ વિકેટ લીધી હતી. એણે બેટિંગમાં પણ 49 રનનું યોગદાન આપ્યું હતું. આમ, આ મેચમાં વિદર્ભની જીતમાં સરવટેનો સિંહફાળો રહ્યો છે.

રણજી ટ્રોફીની આ 85મી આવૃત્તિ હતી.

વિદર્ભની આ જીત વિશેષ એટલા માટે છે કે સરવટેએ ચેતેશ્વર પૂજારા જેવો સ્ટાર બેટ્સમેન હોવા છતાં સૌરાષ્ટ્રને જીતવા ન દીધું.

ઓફ્ફ-સ્પિનર અક્ષય વાખારેએ સમગ્ર મેચમાં સાત વિકેટ લઈને સરવટેને સાથ આપ્યો હતો.

સૌરાષ્ટ્રના વિશ્વરાજ જાડેજાએ 137 બોલમાં 52 રન અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 56 બોલમાં 17 રન કરીને થોડોક પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેપ્ટન જયદેવ ઉનડકટ સાત રન કરી શક્યો હતો.

વિદર્ભની આ જીત માટે ટીમના કેપ્ટન ફૈઝ ફસલ અને કોચ ચંદ્રકાંત પંડિત પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે.

આ વખતની જીત વિદર્ભના બેટ્સમેન વાસીમ જાફર માટે વિશેષ હતી, કારણ કે એણે પોતાની કારકિર્દીમાં આ 10મું રણજી ટ્રોફી ટાઈટલ જીત્યું છે. મુંબઈ વતી રમતાં એણે આઠ વાર આ ટ્રોફી જીતી હતી અને વિદર્ભ વતી બે વાર જીતી છે. એ 10 વાર રણજી ટ્રોફી ફાઈનલમાં રમ્યો છે અને એ દસેદસ વાર જીત મેળવી છે.

આજના પરાજય સાથે સૌરાષ્ટ્ર ટીમ આ ત્રીજી વાર રણજી ટ્રોફી ફાઈનલ જીતવામાં નિષ્ફળ રહી છે અને એને રનર્સ-અપ ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો છે.

ટૂંકો સ્કોરઃ

વિદર્ભ 312 અને 200

સૌરાષ્ટ્ર 307 અને 127 (58.4 ઓવર) વિશ્વરાજ જાડેજા 52, આદિત્ય સરવટે 59 રનમાં 6 વિકેટ.કેપ્ટન ફૈઝ ફસલ અને કોચ ચંદ્રકાંત પંડિત