ગોલ્ડ કોસ્ટ – અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે પણ ભારતે સુવર્ણમય શરૂઆત કરી છે. મહિલાઓની વેઈટલિફ્ટિંગ રમતમાં, સંજીતા ચાનૂએ 53 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
મણીપુરની 24 વર્ષની સંજીતા ચાનૂએ સ્નેચમાં ત્રણ પ્રયાસોમાં 81, 82 અને 84 કિ.ગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો વજન (કુલ 192 કિલો) વચન ઉંચકીને પ્રથમ ક્રમ હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો છે.
સંજીતાએ 84 કિલો વજન ઉંચકીને નવો ગેમ્સ રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ભારતની સ્વાતિ સિંહના નામે હતો.
આજની ઈવેન્ટમાં રજત ચંદ્રક પપુઆ ન્યૂગિનીની વેઈટલિફ્ટરે અને કાંસ્ય ચંદ્રક કેનેડાની વેઈટલિફ્ટરે જીત્યો છે.
ભારતને ગઈ કાલે ગેમ્સના પહેલા દિવસે મણીપુરની જ મીરાબાઈ ચાનૂએ 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ સાથે મેડલ યાદીમાં ભારત બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતને ગઈ કાલે મેન્સ વેઈટલિફ્ટિંગમાં ગુરુરાજાએ સિલ્વર મેડલ અપાવ્યો હતો.
સંજીતાએ ચાર વર્ષ પહેલાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે એણે પોતાની કેટેગરી બદલીને 53 કિ.ગ્રા. કરી છે.