હૈદરાબાદ – ઈંગ્લેન્ડમાં રમાતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે ગયા રવિવારની મેચમાં ભારતના હાથે પાકિસ્તાનના 89 રને થયેલા કારમા પરાજયને કારણે પાકિસ્તાની ક્રિકેટરોની સોશિયલ મિડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે, પણ એમાં ભારતની નાગરિક અને ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા-મલિક પણ ઝપટમાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સાનિયા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને પરણી છે અને દંપતીને એક પુત્ર છે.
એક ટ્વિટર યુઝરે સાનિયા-શોએબને દર્શાવતી એક તસવીર અપલોડ કરતાં વિવાદ સર્જાયો છે. એ તસવીરમાં સાનિયા અને શોએબ એમનાં મિત્રોની સાથે ઈંગ્લેન્ડની કોઈક રેસ્ટોરન્ટમાં દેખાય છે. આ તસવીરને આધાર બનાવીને પાકિસ્તાનની અભિનેત્રી વીણા મલિકે સાનિયાને એક મફતની સલાહ આપતાં સાનિયા એની પર ભડકી ગઈ છે અને એને ટ્વિટર મારફત જડબાતોડ જવાબ આપ્યો છે.
સાનિયાએ એ જવાબમાં વીણાને લખ્યું છે કે, ‘હું કંઈ પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા, ટીચર કે પ્રિન્સિપાલ નથી.’
સાનિયા અને શોએબની રેસ્ટોરન્ટવાળી તસવીર વિશે વીણાએ કહ્યું હતું કે, તમારે તમારા બાળકને શીશા (હુક્કા) પ્લેસ જેવી જગ્યાએ લઈ જવો ન જોઈએ, કારણ કે તે જંક ફૂડ રેસ્ટોરન્ટ છે. અને શું તમને એ પણ ખબર નથી કે બહારનું ખાવાથી ખેલાડીઓની ફિટનેસ પર અવળી અસર પડે છે?’
35 વર્ષીય વીણાએ એનાં ટ્વીટમાં લખ્યું કે, ‘સાનિયા, મને તમારા બાળક વિશે બહુ ચિંતા થાય છે. તમે લોકો તમારા બાળકને શીશા પ્લેસમાં લઈ ગયા? શું એ ખતરનાક ન કહેવાય? મને ખબર છે ત્યાં સુધી ત્યાં માત્ર જંક ફૂડ જ મળે છે જે ખેલાડીઓ માટે જરાય સારું નથી. તને એ વાતની ખબર હોવી જ જોઈએ કે તું એક ખેલાડીની સાથોસાથ એક માતા પણ છો.’
વીણાનાં એ ટ્વીટથી ગુસ્સે થયેલી સાનિયાએ જવાબમાં લખ્યું છે કે, ‘વીણા, હું મારાં બાળકને લઈને શીશા પ્લેસમાં નહોતી ગઈ અને હું મારાં બાળક માટે શું કરું છું એ વિશે તારે કે બાકી દુનિયાએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું તારું સંભાળ. બીજા કોઈ પણ કરતાં હું મારાં બાળકનું વધારે સરસ રીતે ધ્યાન રાખું છું અને બીજી વાત, હું પાકિસ્તાન ટીમની મા નથી કે એમની ડાયટીશિયન નથી કે ટીચર કે પ્રિન્સીપાલ પણ નથી.’
32 વર્ષીય સાનિયાએ પણ વીણા મલિકનાં માતૃત્વ વિશે સવાલ ઉઠાવ્યો છે અને લખ્યું કે, ‘તું મેગેઝિનનાં કવર પર અશોભનીય તસવીર પડાવે એ શું બાળકો માટે ખતરનાક ન કહેવાય?’
એવું કહેવાય છે કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે ભારત સામેની મેચના આગલા દિવસે પાકિસ્તાન ટીમના ખેલાડીઓ શહેરની કોઈક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. એ વાત સોશિયલ મિડિયા પર ફરતી થતાં અને વિવાદ થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન ટીમ ભારત સામેની મેચના બે દિવસ પૂર્વે બહાર જમવા ગઈ હતી, મેચના આગલા દિવસે નહીં.
(આ છે એ ટ્વીટ્સ, જેમાં સાનિયા અને વીણા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ)
httpss://twitter.com/MirzaSania/status/1140706898280361988
httpss://twitter.com/MirzaSania/status/1140707160185286659
httpss://twitter.com/realshoaibmalik/status/1140694362851962881