વેસ્ટ ઈન્ડિઝ પર બાંગ્લાદેશનો વિક્રમસર્જક વિજયઃ શાકિબે કહ્યું, અમારી મહેનત રંગ લાવી

ટોન્ટન – બાંગ્લાદેશે ગઈ કાલે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7-વિકેટથી હરાવીને સનસનાટી મચાવી દીધી. બાંગ્લાદેશના કેપ્ટન મુશરફ મુર્તઝાએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 321 રન કર્યા હતા. એનો વિજય નિશ્ચિત જણાયો હતો, પણ ‘એશિયન ટાઈગર્સ’ બાંગ્લાદેશના ટોચના બેટ્સમેનોએ અસંભવને સંભવ કરી બતાવ્યું અને 41.3 ઓવરમાં માત્ર 3 વિકેટના જ ભોગે 322 રન કરીને મેચ જીતી લીધી.

વર્લ્ડ કપ સ્પર્ધાના ઈતિહાસમાં 300 કે તેથી વધુ સ્કોર ચેઝ કરીને મેચ જીતનાર બાંગ્લાદેશ પહેલી જ ટીમ બની છે.

તેની આ જીતનો હિરો હતો બેટિંગ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન, જે 99 બોલમાં 124 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે અને લિટ્ટન દાસ (94*)ની જોડીએ ચોથી વિકેટ માટે 189 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

વર્તમાન વર્લ્ડ કપની આ 23મી મેચ હતી. શાકિબ અલ હસનની આ વર્તમાન સ્પર્ધામાં બીજી સદી હતી.

મેચ બાદ શાકિબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, બેટિંગ માટે અમારી ટીમે કરેલી મહેનત રંગ લાવી છે.

શાકિબે તેના દાવમાં 16 ચોગ્ગા ફટકાર્યા હતા. સામે છેડે, લિટન દાસે 69 બોલમાં કરેલા 94 રનમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર તમીમ ઈકબાલે 48 રન, સૌમ્યા સરકારે 29 રન અને વિકેટકીપર મુશ્ફિકુર રહીમે 1 રન કર્યો હતો.

તે પહેલાં, વેસ્ટ ઈન્ડિઝના દાવમાં વિકેટકીપર શાઈ હોપ 4 રન માટે સદી ચૂકી ગયો હતો. ક્રિસ ગેલ ઝીરો પર આઉટ થયા બાદ ઈવીન લૂઈસ (70) અને હોપે 153 રનની ભાગીદારી કરી હતી. શિમરોન હેટમેયરે 50 રન કર્યા હતા, કેપ્ટન જેસન હોલ્ડરે 33 રન કર્યા હતા.

બાંગ્લાદેશના બે ફાસ્ટ બોલર – મોહમ્મદ સૈફુદ્દીન અને મુસ્તફીઝુર રહેમાને 3-3 વિકેટ લીધી હતી. શાકિબ અલ હસને 54 રન આપીને બે બેટ્સમેનને આઉટ કર્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]