ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને ૧૫૦ રનથી હરાવ્યું; મોર્ગન ‘પ્લેયર ઓફ ધ મેચ

માન્ચેસ્ટર – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે અહીં રમાઈ ગયેલી મેચમાં ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને ૧૫૦ રનથી પરાજય આપ્યો છે. અફઘાનિસ્તાનની બોલિંગના ચિંથરા ઉડાવીને ઈંગ્લેન્ડે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 397 રનનો પહાડ ખડો કર્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાન ટીમે  ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૪૭ રન કર્યા હતા. આ તોતિંગ સ્કોરમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગનના વર્લ્ડ રેકોર્ડ સમાન 17 સિક્સર સાથે 71 બોલમાં કરેલા 148 રનના યોગદાનનો સમાવેશ થાય છે. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોર્ગનનો આ કારકિર્દીનો બેસ્ટ સ્કોર થયો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં એણે આ ચોથા નંબરની ફાસ્ટેસ્ટ સદી ફટકારી છે. કારકિર્દીમાં આ તેની 13મી સદી છે, જે એણે 57 બોલમાં પૂરી કરી હતી.

આજે પોતાની 225મી વન-ડે મેચ રમતા મોર્ગને તેના સમગ્ર દાવમાં 17 સિક્સર ઉપરાંત ચાર બાઉન્ડરી પણ મારી હતી. આમ, એણે એના 148 રનના 80 ટકા રન ચોગ્ગા-છગ્ગાથી મેળવ્યા હતા.

મોર્ગને વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર મારવાનો રોહિત શર્મા, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલનો સંયુક્ત વિક્રમ આજે તોડ્યો છે. શર્માએ 2013માં ઓસ્ટ્રેલિયા સામે, ડી વિલિયર્સે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને ગેલે 2015માં ઝિમ્બાબ્વે સામે 16-16 સિક્સર મારી હતી.

આજની મેચમાં, ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટોએ 99 બોલમાં 90 અને જો રૂટે 82 બોલમાં 88 રન ફટકાર્યા હતા, પણ એમના કેપ્ટનના દાવને ઝાંખો પાડી શક્યા નહોતા. આ ત્રણેય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની બોલિંગના ભૂક્કા ઉડાવી દીધા હતા.

અફઘાનિસ્તાનો T20 સુપરસ્ટાર બોલર રશીદ ખાન સૌથી વધારે ઝૂડાયો હતો. એણે 9 ઓવરમાં 110 રન આપ્યા હતા. એની બોલિંગમાં 11 સિક્સર પડી હતી.

આ સાથે વર્લ્ડ કપની કોઈ મેચમાં સૌથી ખરાબ બોલિંગ દેખાવ કરવાનો રશીદ ખાને વિક્રમ કર્યો છે. એણે ન્યૂઝીલેન્ડના માર્ટિન સ્નેડનનો રેકોર્ડ તોડ્યો છે. સ્નેડને 1983ની વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 12 ઓવરમાં 105 રન આપ્યા હતા. એ વખતે દરેક મેચ ટીમ-દીઠ 60-ઓવરની રહેતી હતી.

ઓઈન મોર્ગને આજે તેની ફટકાબાજીમાં લોન્ગ-ઓન અને લોન્ગ-ઓફ્ફ વચ્ચેના વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હતો. એણે અમુક સીધા ફટકાની સિક્સરો મારી હતી. મોર્ગને આ પહેલાં ક્યારેય એના દાવમાં બે કરતાં વધારે સિક્સર મારી નહોતી. આજે એ સાવ જુદા જ મૂડમાં રમ્યો હતો.

ઈંગ્લેન્ડના દાવને અંતે મોઈન અલી 15 બોલમાં 31 રન સાથે નોટઆઉટ રહ્યો હતો. એણે પણ ચાર સિક્સર ઝીંકી હતી.