રાંચી – ભારતીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ એમ કહીને શસ્ત્ર માટે લાઈસન્સ માગ્યું છે કે એમનો જાન જોખમમાં છે.
સાક્ષીએ કોઈ પિસ્તોલ કે પોઈન્ટ 32 રીવોલ્વર મેળવવા માટે અરજી કરી છે. એમણે કહ્યું છે કે પોતે ઘરમાં મોટે ભાગે એકલાં જ રહેતાં હોય છે અને અંગત કામકાજ માટે બહાર એકલાં જ ફરવાનું રહેતું હોય છે માટે એમણે પોતાની પાસે ગન રાખવી જરૂરી છે. એમણે એમ પણ કહ્યું છે કે પોતે એકલાં રહેતાં હોવાથી એમનો જાન જોખમમાં છે તેથી એમને શસ્ત્ર ખરીદવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ 2006માં ગન ખરીદવા લાઈસન્સ માટે અરજી કરી હતી. શરૂઆતમાં એની અરજીને નકારી કાઢવામાં આવી હતી, પણ બાદમાં 9mm પિસ્તોલની અરજી મંજૂર રાખવામાં આવી હતી. આ પ્રતિબંધિત પિસ્તોલ માટે લાઈસન્સ આપવા માટેની ધોનીની અરજીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.